• બુધવાર, 27 સપ્ટેમ્બર, 2023

સીંગદાણાના ઊંચા ભાવ છતાં નિકાસ 30 ટકા ઊંચકાઈ   

સુદાન-સેનેગલના દાણા પણ મોંઘા રહેતા ગુણવત્તા મુદ્દે ભારતને અગ્રતા મળી 

અમારા પ્રતિનિધિ તરફથી 

રાજકોટ, તા. 2 જૂન 

વૈશ્વિક બજારમાં સીંગદાણાનું નબળું ઉત્પાદન અને ટોચના ભાવ રહેતા ભારતને નિકાસ માર્કેટમાં લાભ મળ્યો છે. ભારતીય સીંગદાણા ગુણવત્તાની દૃષ્ટિએ વર્લ્ડ ફેમસ છે અને ભાવ હરીફાઈયુક્ત રહેતા નિકાસમાં આશરે 30 ટકા જેટલી વૃદ્ધિ નોંધાઈ છે. 

એપેડા દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ પ્રમાણે 2021-22 (એપ્રિલથી માર્ચ)માં દેશમાંથી સીંગદાણાની નિકાસ 5,14,163 ટનની રહી હતી. એની સામે 2022-23માં 6,68,886 ટનની રહી છે. જાન્યુઆરીમાં નિકાસ ધીમી પડી હતી, પણ ફેબ્રુઆરીમાં ધૂમ સોદા થતા 1,38,925 ટનની નિકાસ કરવામાં આવી હતી. એ જ રીતે માર્ચમાં પણ 88,136 ટનનો જથ્થો નિકાસમાં ગયો હતો. નિકાસને લીધે ખેડૂતોને પણ મગફળીના સારા ભાવ મળ્યા હતા. છેલ્લાં બે વર્ષથી સીંગદાણાની નિકાસ વધી શકતી ન હતી, તે સુધરતા રાહત છે. 

સીંગદાણાના નિકાસકારોએ કહ્યું કે, વિશ્વભરમાં આપણી સાથે હરીફાઈમાં નિકાસ ક્ષેત્રે સુદાન હોય છે. ત્યાં પાક ઓછો હતો અને ભાવ ઉપર તરફ રહેતા ભારતના દાણાની ખપત વધારે રહી છે.  

ડીએસએન એગ્રી બ્રોકર્સના નીરજ અઢીયા કહે છે કે, સુદાન-સેનેગલ કરતા આપણા દાણા આયાતકારોએ વધારે પસંદ કર્યાં હતાં. ભાવ આપણે ત્યાં પણ ઊંચા હતા, છતાં ગુણવત્તા બેસ્ટ મળતી હોવાથી ભારતના દાણા ઇન્ડોનેશિયા, મલેશિયા, ફિલિપાઈન્સ, વિયેટનામ અને ચીન સુધી પહોંચ્યા છે. ચીનમાં દાણાની સાથે સીંગતેલની નિકાસ પણ કરવામાં આવી અને એનો ફાયદો સમગ્ર ઉદ્યોગને મળ્યો છે. તેલની નિકાસ આશરે 60-70 હજાર ટન થઈ હોવાનો અંદાજ છે. 

તેમણે કહ્યું કે, ઉનાળુ પાક પણ હવે બજારમાં આવવા લાગ્યો છે. નવી આવકો ધીરે ધીરે વધી રહી છે. નવો પાક આશરે 1 લાખ ટન આસપાસનો અંદાજાય છે. પુરવટામાં વધારો થતા દાણાના ભાવ નીચે આવે તેમ છે, એટલે નિકાસના સોદા થોડાં વધી શકે છે. અત્યારે ભાવ ઘટવાની શક્યતાને લઈને આયાતકારો થોભો અને રાહ જુઓની નીતિ અપનાવી રહ્યા છે.  

સીંગદાણા બજારમાં ટીજે 80-90 કાઉન્ટનો ભાવ એક કિલોએ રૂા. 102 અને 50-60માં રૂા. 109 ચાલે છે. જ્યારે જાડાં દાણામાં રૂા. 108થી 113ના ભાવ છે. નવા ઉનાળુ દાણામાં 80-90ના રૂા. 102ના ભાવ હતા. જ્યારે જાવામાં રૂા. 103થી 112 સુધીના ભાવ હતા. તમામ વેરાઈટીના ભાવ આગામી દિવસોમાં રૂા. 3-4 જેટલા ઘટવાની શક્યતા છે. તેમણે કહ્યું કે, ઉત્તર પ્રદેશમાં ઉનાળુ મગફળીનો પાક બમણો છે અને બંગાળ તરફ પણ સવાયાથી દોઢું ઉત્પાદન થવાની શક્યતા છે, જે ભાવ ઘટાડા માટે નિમિત બનશે. 

અગ્રલેખ
No articles found for this category. આ વિષય પર કોઈ લેખો મળ્યા નથી.