અમારા પ્રતિનિધિ તરફથી
સુરત, તા. 10 ફેબ્રુ.
અંદાજપત્રમાં હાઈસ્પીડ આયાતી ટેક્સટાઇલ મશીનરીમાં શૂન્ય ટકાની છૂટછાટ આગામી 31મી માર્ચે પૂર્ણ થશે. 1લી એપ્રિલથી આવી મશીનરી પર કસ્ટમ ડ્યૂટી લાગુ કરવાની જોગવાઇથી કાપડની નિકાસને ફટકો પહોંચવાની ભીતિ છે. એક તરફ સરકાર કાપડની નિકાસ વધારવા માટે પ્રોત્સાહન આપે છે અને બીજી તરફ ટેક્સટાઇલનું ઉત્પાદન વધારવા માટેની જરૂરી આધુનિક મશીનરીની આયાત પર મસમોટી ડ્યૂટી લાગુ કરી છે. જેના કારણે નિકાસને ફટકો પડવાની આશંકા છે.
ટફ જેવી યોજનાની સબસીડી બંધ છે અને કસ્ટમ ડ્યૂટીના ભારણથી નવું રોકાણ અટકશે. જે ઉદ્યોગકાર રોકાણ કરવા આગળ વધશે તેઓની કાપડની પડતર કિંમત મોંઘી થશે.
રાધે ગ્રુપના ઓનર દિપપ્રકાશ અગ્રવાલ કહે છે કે, 1 એપ્રિલ, 2021થી 30 અૉગસ્ટ, 2022 સુધી સરેરાશ દર મહિને 1 હજાર મશીનો પોર્ટ પર આવતા હતા. યોજના બંધ થતા આજે 100 મશીન પણ પોર્ટ આવતા નથી. જો શટલલેસનું આગમન લૂમ્સ બંધ થશે તો તેની અસર નિકાસ પર પડશે. શટલ લૂમના નામે દુનિયાભરમાં સુરતનું કાપડ વેચાય છે. ડ્યૂટીની અવળી અસરથી સમગ્ર કાપડ ઉદ્યોગને ભારે અસર પહોંચે તેમ છે.
નોંધનીય છે કે ઘરઆંગણે આધુનિક મશીનરીના ઉત્પાદકોની સંખ્યા બહુ ઓછી છે. અત્યાર સુધી દેશમાં શટલલેસ લૂમ્સનું કોઈ ઉત્પાદક ન હોવાના
કારણે ચીન અને યુરોપના દેશોમાંથી મશીની આયાત થઇ રહી છે. સરકારના નિર્ણાયથી ઘરઆંગણાના એકલ-દોકલ ઉત્પાદકોને પોતાની ટેક્સટાઇલ મશીનીરીના વેચાણમાં પ્રોત્સાહન મળશે. પરંતુ જે પ્રમાણે કાપડ ઉદ્યોગ સાહસિકોને ઈમ્પોર્ટેડ મશીન પસંદગી કરે છે તે જોતા આ ક્ષેત્રે લોકલ ઉત્પાદકો માટે મંઝિલ દૂર છે.
સુરત સહિત દેશભરનના વાવિંગ ઉદ્યોગે હાઈસ્પીડ ઈમ્પોર્ટેડ મશીનરીને કારણે પાછલા વર્ષોમાં ઉત્કૃષ્ટ પ્રગતિ કરી છે. જે પાછળ ડ્યૂટી ફ્રીનું કારણ મહત્ત્વનું રહ્યું છે. હવે જ્યારે મશીનરી મોંઘી થશે ત્યારે નવા રોકાણ પર કામચલાઉ બ્રેક લાગે તો નવાઇ નહિ.