સુરતમાં લેબગ્રોન હીરા માટે બાયર-સેલર મીટ યોજાશે
અમારા પ્રતિનિધિ તરફથી
સુરત તા. 10 ફેબ્રુ.
કેન્દ્ર સરકારે લેબગ્રોન ડાયમંડના મહત્વના કાચામાલ એવા સીડ્સ પરની કસ્ટમ ડ્યૂટી શૂન્ય કરતા લેબગ્રોન હીરાના ધંધાર્થીઓ ભારે ઉત્સાહમાં આવ્યા છે. જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સીલ દ્વારા લેબગ્રોન હીરાના ધંધાને મહત્વનું પ્લેટફોર્મ પૂરું પાડવા માટે બાયર-સેલર મીટનું આયોજન કર્યું છે. પાછલા ચાર વર્ષનો લેબગ્રોન હીરાના વ્યવસાયને જોવામાં આવે તો ભારતમાંથી હીરાની નિકાસમાં 400 ટકાનો વધારો થયો છે અને આગામી વર્ષોમાં નિકાસ વધુ વેગીલી બનશે.
સુરત લેબગ્રોન ડાયમંડનું હબ બન્યું છે. આમ પણ સુરત પાસે નેચરલ ડાયમંડનું સમગ્ર ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોવાથી આવનારા વર્ષો લેબગ્રોન ડાયમંડ જ્વેલરી મેન્યુફેક્ચરીંગમાં પોતાનું મજબૂત સ્થાન નોંધાવશે.
જીજેઇપીસીના ગુજરાત રીજનના ચેરમેન વિજયભાઇ માંગુકિયા કહે છે કે, વર્ષ 2019-20માં ભારતમાંથી કુલ 430 મિલિયન ડોલરના લેબગ્રોન ડાયમંડની નિકાસ થઇ હતી. વર્ષ 2022-23માં એપ્રિલથી ડીસેમ્બર સુધી 1385 મિલિયન ડોલરની નિકાસ થઇ છે. ભારતમાંથી 60 ટકા નિકાસ અમેરિકા, 15 ટકા મીડલ ઇસ્ટમાં અને 15 ટકા નિકાસ એશિયન દેશોમાં થાય છે. ભારત સરકારે લેબગ્રોન ડાયમંડના ધંધાને વધુ વૃદ્ધિ થાય તે માટે ડ્યટીમાં રાહત આપી છે જે આવકાર્ય છે. આગામી 5 થી 7 એપ્રિલ દરમ્યાન જીજેઇપીસી લેબગ્રોન ડાયમંડની બાયર-સેલર મીટ યોજી લેબગ્રોન ડાયમંડના ઉદ્યોગને મહત્વનું પ્લેટફોર્મ આપશે.
આ બાયર સેલર મીટમાં દેશમાંથી 15 ખરીદદારો અને ભારત બહારના દેશો જેમ કે યુએસએ, યુકે, ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાંથી 15 બાયર્સ આવશે. આ બાયર્સ-સેલર્સ મીટ સુરતના ટોપ 30 લેબગ્રોન ડાયમંડ ગ્રોવર્સ(ડાયમંડ બનાવનાર) માટે આયોજીત કરવામાં આવી છે. જેમાં જ્વેલરી ઉત્પાદકોનો પણ સમાવેશ થાય છે. લોટરી સિસ્ટમથી તેઓની મીટમાં નિમણૂક કરાશે.
આઇડીઆઇના ચેરમેન દિનેશભાઇ નાવડિયા કહે છે કે, જીજેઇપીસી સતત વિવિધ માધ્યમથી હીરા અને ઝવેરાત ઉદ્યોગને પ્રોત્સાહિત કરે છે. એ પછી ભલે રફ ડાયમંડ પરથી લેવી હટાવવાની વાત હોય કે લેબગ્રોન ડાયમંડના સીડ્સ પરની કસ્ટમ ડ્યૂટી હટાવવાની વાત હોય. જીજેઇપીસી સતત ઉદ્યોગના વૃદ્ધિ અને વિકાસમાં અગ્રેસર રહ્યું છે. આ બાયર્સ-સેલર્સ બેઠક પણ બહુ જ ઉપયોગી સાબિત થશે.
લેબગ્રોન ડાયમંડ એસોસીએશનના પ્રમુખ બાબુભાઇ વાઘાણી કહે છે કે, અમારો સતત પ્રયાસ લેબગ્રોન ડાયમંડના ઉદ્યોગનો વિસ્તાર કરવાનો અને નવા બજારની શોધ ચલાવવાનો છે. આ બાયર્સ-સેલર્સ બેઠકથી સુરતના લેબગ્રોન ડાયમંડના ગ્રોઅર્સને નવું પ્લેટફોર્મ મળી રહેશે.
સુત જ્વેલરી મેન્યુફેકચર્સ એસોસીએશનના પ્રમુખ જ્યંતિભાઇ સાવલિયા કહે છે કે, સુરતમાં જ્વેલરી ઉત્પાદન પણ તેની મહત્તમ ક્ષમતાથી આગળ વધી રહ્યું છે. લેબગ્રોન ડાયમંડ સ્ટેટેડ જ્વેલરીની પણ ડીમાન્ડ વધી છે. આ પ્લેટફોર્મથી લેબગ્રોન ડાયમંડના ગોઅર્સ સાથે જ્વેલરી ઉત્પાદકોને પણ ફાયદો થશે.