મહુવા પંથકમાં 60 જેટલાં કારખાનાં શરૂ થઇ ગયાં : 50-55 હજાર ટનના ઉત્પાદનની ધારણા
અમારા પ્રતિનિધિ તરફથી
રાજકોટ,તા.17 ફેબ્રુ.
સફેદ ડુંગળીની સીઝન બરાબર જામી જતા મહુવા પંથકમાં ડિહાઇડ્રેશન ઉદ્યોગ ધમધમતો થઇ ગયો છે. મહુવા પંથકમાં 60 જેટલા કારખાનાઓમાં ડુંગળીમાંથી કિબલ અને પાઉડર બનાવવાનું કાર્ય ચાલુ છે. ડુંગળીના ભાવ કારખાનાઓને પોસાય તેવા છે એટલે ચાલુ થયેલા યુનિટો પૂર્ણ રીતે ચાલે છે. અલબત્ત આ વર્ષે પ્રોસેસ્ડ ડુંગળીમાં નિકાસની માગ ધીમી છે એટલે સ્ટોક ઝાઝા થઇ રહ્યા છે.
મહુવા ડિહાઇડ્રેશન એસોસીએશનના પૂર્વ પ્રમુખ વિઠ્ઠલભાઇ કોરડીયા કહે છેકે, મહુવા વિસ્તારમાં કુલ 110 જેટલા કારખાના છે એમાંથી 60 જેટલા શરૂ થઇ ગયા છે. અનેક કારખાના અત્યાર સુધી લસણનું પ્રોસેસીંગ કરતા હતા. હવે લસણને બદલે ડુંગળીમાં આવી રહ્યા હોવાથી રીપેરીંગ અને સફાઇ ચાલી રહી છે. એ જોતા હજુ ડુંગળીના એકમો વધશે.
તેમણે કહ્યું કે, સફેદ ડુંગળીનું વાવેતર ઓછું થયું હતુ પણ વાતાવરણ પાકને અનુકૂળ રહેવાને લીધે ઉત્પાદન-ઉતારામાં વધારો થવાની ધારણા છે એટલે કારખાનાઓને પોસાણ છે. પાણીની સમસ્યા સર્જાવાના ભયને લીધે સફેદ ડુંગળીમાં પાછોતરા વાવેતર ઓછાં થયા હતા પણ માલ કારખાનાઓને સરળતાથી અત્યારે મળી રહ્યો છે.
સફેદ ડુંગળીની આવક મહુવા યાર્ડમાં રોજ 70-80 હજાર ગુણી થાય છે. સપ્તાહથી ટોચના ભાવમાં વેચાતી ઉંચી ગુણવત્તાની ડુંગળીનો ભાવ રૂ. 300થી વધીને રૂ. 440 સુધી પહોંચી ગયો છે. નબળા માલમાં રૂ. 130-200 અને મધ્યમમાં રૂ. 250-300 સુધીના ભાવથી વેપારો થઇ રહ્યા છે. ભાવનગરમાં આવક પૂરી થઇ ગઇ છે. ગોંડલમાં 4-5 હજાર ગુણીની આવક રહે છે. ડિહાઇડ્રેટેડ ડુંગળીમાં કિબલનો ભાવ કિલોએ રૂ. 115 અને પાઉડરનો ભાવ રૂ. 100 જેટલો મૂકાય છે.
વિઠ્ઠલભાઇ કહે છેકે, વિદેશી બજારમાં કિબલ અને પાઉડરની માગ નબળી છે. યુરોપમાં નાણાની ખેંચ છે એટલે માગની તુલનાએ 10-20 ટકા જ ખરીદી દેખાય છે. પરિણામે ડિહાઇડ્રેશન બને એમાંથી સ્ટોક વધારે થાય છે. તેમના મતે ચાલુ વર્ષમાં 50-55 હજાર ટન પ્રોસેસ્ડ ડુંગળીનું ઉત્પાદન કારખાઓમાં થાય તેવી સંભાવના છે. જૂના સ્ટોક 10 હજાર ટન જેટલા રહ્યા છે. પુરવઠાની સમસ્યા થાય એવા કોઇ સંજોગ નથી. વૈશ્વિક બજારમાં માગ સુધરે એની આશા સૌ રાખી રહ્યા છે. હવે ભારતમાં પ્રોસેસ્ડ અને ઇન્સ્ટન્ટ ફૂડની માગ વધવા લાગી હોવાથી કુલ માગમાંથી 20-22 ટકા જેટલી પ્રોસેસ્ડ ડુંગળી લોકલમાં ખપી જાય છે. અગાઉ નિકાસ પર જ સંપુર્ણપણે આધાર રાખવામાં આવતો હતો.