• રવિવાર, 26 માર્ચ, 2023

નવા ઘઉં બજારમાં આવતાં ભાવ તૂટયા

દસ દિવસમાં એક મણ ઘઉં રૂા. 100 સસ્તા થયા

અમારા પ્રતિનિધિ તરફથી 

રાજકોટ, તા. 21 ફેબ્રુ. 

ઘઉંની નવી આવકો શરૂ થતાવેંત કારમી મંદી થઇ ચૂકી છે ત્યારે નવા ઉત્પાદનના અંદાજો પણ બજારમાં વહેવાનું શરૂ થયું છે. ગુજરાતમાં ઘઉંનો પાક 2 ટકા જેટલો મામૂલી વધીને 41.32 લાખ ટન થવાની ધારણા પ્રાથમિક ધોરણે મૂકાય છે. અગાઉના વર્ષમાં 40.18 લાખ ટનનો અંદાજ મૂકાયો હતો. પાછલું વર્ષ આકરી તેજીનું રહ્યા પછી હવે ભાવ તૂટવા લાગતા ખેડૂતો મૂંઝાયા છે.  

સૌરાષ્ટ્રભરમાં સોમવારે નવા ઘઉંની આવક 40-45 હજાર ગૂણીની થઇ હતી. કોડીનાર, જામનગર, મહુવા, જૂનાગઢ, વિસાવદર, રાજકોટ, જામજોધપુર અને ગોંડલ યાર્ડમાં ગણનાપાત્ર આવક થઇ હતી. ગરમીના આરંભ સાથે હવે ઠેર ઠેર હાર્વેસ્ટરો પહોંચી ગયા છે અને ઘઉં ખેતરમાંથી નીકળીને યાર્ડમાં આવવા લાગ્યા છે. ગામડાંઓમાં હવે હાર્વેસ્ટરના આંટાફેરા વધી ગયા છે એટલે માસાંતે ખૂબ ઝડપથી આવક થવાની છે. 

જોકે, આવકની સાથે ભાવ તૂટવાનો પણ આરંભ થઇ ગયો છે. પાછલા મે મહિનામાં ઘઉંની બેફામ નિકાસ પછી થયેલી તેજીમાં ઘઉંનો ભાવ બેસ્ટ માલમાં રૂા. 650 સુધી એક મણનો થઇ ગયો હતો. એ ઇતિહાસ બની ગયો છે. માર્કેટ યાર્ડોમાં દસેક દિવસ પૂર્વે ખાસ આવક ન હતી, ત્યારે એક મણનો ભાવ લોકવનમાં રૂા. 501-562 હતો અને ટુકડાનો ભાવ રૂા. 520-590 હતો. 20મી ફેબ્રુઆરીએ લોકવન રૂા. 419-465 અને ટુકડા રૂા. 438-538માં વેચાયા હતા. દસ દિવસમાં ઘઉં બજારનો પ્રવાહ પલટાઇ ગયો છે, કારણ કે આશરે મણે રૂા. 100 નીકળી ગયા છે.  

ગોંડલ અને રાજકોટના અગ્રણી વેપારીઓ કહે છે કે, બજાર બહુ ઊંચે હતી એટલે ભાવ તૂટવાનું નક્કી હતું, પણ આવકો થોડી વહેલી થઇ અને નવા ઘઉંમાં ખરીદી નથી એટલે ભાવ ઝડપભેર તૂટયાં છે. 

સરકારે તાજેતરમાં ઘઉંનો જથ્થો મિલો માટે છૂટ્ટો કરી દીધો છે. જે કોઇપણ રાજ્યમાં જૂના ઘઉં ક્વિન્ટલે રૂા. 2125 અને નવા રૂા. 2150માં મળે છે. એની તુલનાએ સૌરાષ્ટ્રના નવા ઘઉંની પડતર રૂા. 2200 ઉપર થાય છે. વળી, મિલોએ સરકારી માલ ભરી લીધાં છે એટલે હાલ જગ્યાના અભાવે પણ ખરીદી નથી. નવા ઘઉંના ભાવ આ સંજોગમાં નીચાં આવે એવી પૂરતી શક્યતા છે. 

નિકાસમાં ગયા વર્ષે સરકારે પ્રતિબંધ મૂક્યાં પછી હજુ નિકાસ ખૂલે તેવી અત્યારે કોઇ શક્યતા નથી. ઘઉંનો પુરવઠો તરલ રહે અને સરકારના લક્ષ્ય પ્રમાણે સેન્ટ્રલ પૂલમાં ઘઉં આવી જાય એ પછી જ કદાચ સરકાર નિકાસની દિશામાં કોઇ કાર્યવાહી કરશે.