આબોહવા પરિવર્તન અને મજબૂત માગને કારણે
મુંબઈ, તા. 21 ફેબ્રુ.
થોડા સમય અગાઉની માફક અનાજના ભાવમાં મોટો ઉછાળો જોવા મળે તેમ જણાતું ન હોવા છતાં ટ્રોઇકા - આબોહવા પરિવર્તનની અનિશ્ચિતતા, મજબૂત વૈશ્વિક માંગ અને સ્થાનિક માંગમાં વધારાને કારણે આગામી નાણાં વર્ષે પણ ઊંચકાયેલા જ રહેશે, એમ રાટિંગ એજન્સી ક્રિસિલે જણાવ્યું છે. ક્રિસિલ માર્કેટ ઈન્ટેલિજન્સ એન્ડ એનાલિટિક્સના રિસર્ચ વિભાગના ડાયરેક્ટર પુષન શર્માએ જણાવ્યું છે કે ભારતના વિવિધ વિસ્તારોમાં લોકોના ભોજનનો અનિવાર્ય હિસ્સો એવા અનાજ - ધાન્યનું ઉત્પાદન છેલ્લાં 50 વર્ષથી સતત વધી રહ્યું છે અને તેનો કુલ વાર્ષિક વૃદ્ધિ દર બેથી ત્રણ ટકા જેટલો છે.
તાજેતરનાં વર્ષોમાં ખેડૂતો સારી ખેત પદ્ધતિઓ વિશે જાગૃત થયા છે, સરકાર ઈનપુટ સબસિડીઓ મારફતે મદદ કરી રહી છે તેમજ ટેકાના ભાવે ખરીદી પણ કરી રહી છે (ટેકાના ભાવ નાણાં વર્ષ 2017થી 2022 દરમ્યાન 22થી 23 ટકા વધ્યા છે), નિકાસ વધી છે (નાણાં વર્ષ 2017થી 2022માં 22-23 ટકા) અને ઘરઆંગણાની માગ પણ વધી છે. આ તમામ પરિબળોને કારણે અનાજનું ઉત્પાદન વધ્યું છે.
જોકે, અનાજના ભાવ ઝડપભેર વધ્યા છે. અનાજના પાકો માટે ભારાંકિત સરેરાશ પાક ભાવ સૂચકાંક નાણાં વર્ષ 2017થી 2022 દરમ્યાન ત્રણથી ચાર ટકા નોંધાયો છે. આ નાણાં વર્ષે પણ અનાજના ભાવ પ્રથમ નવ મહિનામાં નોંધપાત્ર રીતે વધ્યા છે - ઘઉં અને ડાંગરના ભાવ આઠથી 11 ટકા અને મકાઈ, જુવાર અને બાજરીના ભાવ 27થી 31 ટકા વધ્યા છે.
શર્માએ જણાવ્યું કે એનાં કારણો જોવા જેવાં છે. તાજેતરનાં વર્ષોમાં આબોહવા પરિવર્તનની હીટ વેવ અને અનિયમિત ચોમાસા જેવી ઘટનાઓ ખૂબ વધી છે. આને કારણે આ નાણાં વર્ષે ઘઉં અને ડાંગરનું ઉત્પાદન ઘટ્યું છે. સાથે સાથે વૈશ્વિક અને ઘરઆંગણાનાં બજારોમાં માગ વધી છે અને નાણાં વર્ષ 2023માં ઘઉં અને ચોખાનો પુરવઠો અનુક્રમે 12 ટકા અને 35 ટકા ઘટ્યો છે, જેને પગલે આ કોમોડિટીઝના ભાવમાં વધારો જોવા મળ્યો છે.