• રવિવાર, 26 માર્ચ, 2023

ગુજરાતનું રૂા. 917 કરોડની પુરાંતવાળું બજેટ

નવા કરવેરાના બોજ વગરનું અંદાજપત્ર

અમારા પ્રતિનિધિ તરફથી  

અમદાવાદ, તા. 24 ફેબ્રુ.

ગુજરાતની 15મી વિધાનસભાનું પ્રથમ અંદાજપત્ર નાણાપ્રધાન કનુ દેસાઈ દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું. રાજ્યના ઇતિહાસના સૌથી મોટાં કદના રૂા. ત્રણ લાખ એક હજાર 22 કરોડના અંદાજપત્રમાં કોઇ નવો કર કે બોજ નાંખવામાં આવ્યો નથી. મધ્યમ વર્ગને રાહત થાય એ રીતે ઘરેલું વપરાશ માટેના પીએનજી અને ઓટોમોબાઇલમાં વપરાતા સીએનજી પરના મૂલ્યવર્ધિત કરને 15 ટકાથી ઘટાડીને પાંચ ટકા કરવામાં આવ્યો છે. એ રીતે રૂા. 1000 કરોડનો ચોખ્ખો લાભ અપાયો છે. અંદાજપત્રમાં રૂા. 916.87 કરોડની પુરાંત દર્શાવાઈ છે. 

અંદાજપત્રમાં સૌથી વધુ શિક્ષણ વિભાગને રૂા. 43,651 કરોડ ફાળવવામાં આવ્યા છે. રાજ્યનો જીડીપી રૂા. 42 લાખ કરોડ કરવાનું લક્ષ્યાંક છે. કેન્દ્રની માફક રાજ્યમાં આત્મનિર્ભરતા પર ધ્યાન કેન્દ્રિત કરાયું છે. ગીર અભરણ્ય સોમનાથ, દ્વારકા, શિવરાજપુર બીચ, સફેદ રણ, ધોળાવીરા, અંબાજી અને ધરોઇ ક્ષેત્રને વિકસાવવા માટે આગામી પાંચ વર્ષમાં રૂા. 8000 કરોડનો ખર્ચ કરવામાં આવશે. જ્યારે દ્વારાકાધીશ મંદિર અને પરિસરનો સંપૂર્ણ વિકાસ કરવા માટે યાત્રાધામ કોરિડોર બનાવી દ્વારકા નગરીના મૂળ વૈભવને પુન: સ્થાપિત કરવામાં આવશે. 

છોટા ઉદેપુર, ગીર સોમનાથ અને મોરબીમાં ડૉ. આંબેડકર ભવન બનાવવામાં આવશે. મહિલા એપ્રેન્ટિસને પ્રોત્સાહન આપવા વધારાના સ્ટાઈપેન્ડ માટે 16 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત મહાત્માં ગાંધી આશ્રમ સંસ્થાનોમાં સેફ્ટી લેબની સ્થાપના થશે. 

પીપીપી ધોરણે મેડિકલ કૉલેજ સ્થાપવા 130 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. અમદાવાદ સિવિલ હૉસ્પિટલ અને અન્ય મેડિકલ કૉલેજમાં આધુનિક સાધનો માટે 155 કરોડ ફાળવવામાં આવ્યા છે. આ ઉપરાંત નાણાપ્રધાન કનુ દેસાઈએ આજે અરવલ્લી, છોટા ઉદેપુર, મહિસાગર અને ડાંગને નવી મેડિકલ કૉલેજ ફાળવવા જાહેરાત કરી છે.  

તમામ જિલ્લામાં અને તાલુકામાં સ્પોર્ટસ કૉમ્પ્લેક્ષ બનાવવામાં આવશે. પુરાતત્વ અને સંગ્રહાલય માટે 55 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ગ્રંથાલય અને અભિલેખાગરો માટે 96 કરોડની જોગવાઈ છે. પંચાયત ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ માટે 10,743 કરોડની જોગવાઈ છે. 

રાજ્યની 6 હજાર પ્રાથમિક શાળામાં શાળા સહાયકો ઉપલબ્ધ કરાવવા માટે સરકાર દ્વારા 87 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. અંબાજી અને ધરોઇને વિશ્વકક્ષા પ્રવાસન અને યાત્રાધામ સ્થળ બનાવવા 300 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. કેશોદ ઍરપોર્ટનું વિસ્તરણ કરવામાં આવશે અને દ્વારકા ખાતે નવું ઍરપોર્ટ બનાવાશે. સૈનિકો માટે 10 નવી રક્ષાશક્તિ યુનિવર્સિટી નિર્માણ કરવામાં આવશે. નવી પાંચ નર્સિંગ કૉલેજ સ્થાપવામાં આવશે.  

ક્લાઈમેન્ટ ચેન્જ વિભાગ માટે 937 કરોડ,  ગૃહવિભાગ માટે 8 હજાર 574 કરોડ અને સ્ટેચ્યુ અૉફ યુનિટી અને એકતા નગર માટે 565 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ત્રણ વર્ષમાં બોર્ડર વિસ્તારનો વિકાસ કરવમાં આવશે. આરોગ્ય વીમાની મર્યાદા પાંચ લાખથી વધારીને 10 લાખ કરવામાં આવી છે. આઇકોનિક ટુરિસ્ટ સ્થળોના સંકલિત વિકાસ માટે 706 કરોડ ફાળવાયા છે.  

અંદાજપત્રમાં કરવામાં આવેલી જંગી ફાળવણીમાં ગરીબોના વિકાસ માટે રૂા. બે લાખ કરોડ, માનવ સંશાધન માટે રૂા. ચાર લાખ કરોડ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ માટે રૂા. પાંચ લાખ કરોડ, કૃષિ-ઉદ્યોગ-સેવા ક્ષેત્ર માટે રૂા. બે લાખ કરોડ અને ગ્રીન ગ્રોથ માટે રૂા. બે લાખ કરોડની જાહેરાત છે.  

સામાજિક ન્યાય અધિકારીના માટે રૂા. 5580 કરોડ, આદિજાતિ વિકાસ માટે રૂા. 3410 કરોડ, શ્રમ, કૌશલ્ય-રોજગાર માટે રૂા. 2538 કરોડ, હેઠળ શિક્ષણ વિભાગ માટે રૂા. 43,651 કરોડ, આરોગ્ય પરિવાર કલ્યાણ માટે રૂા. 15,182 કરોડ, મહિલા બાળ વિકાસ માટે રૂા. 6064 કરોડ, અન્ન, નાગરિક પુરવઠા માટે રૂા. 2165 કરોડ, રમતગમત યુવા સાંસ્કૃતિ માટે રૂા. 568 કરોડ, પંચાયત-ગ્રામ ગૃહનિર્માણ માટે રૂા. 10,743 કરોડ, શહેરી વિકાસ-ગૃહનિર્માણ માટે રૂા. 19,685 કરોડ, ઊર્જા અને પેટ્રો કેમિકલ્સ માટે રૂા. 8738 કરોડ, માર્ગ અને મકાન વિકાસ માટે રૂા. 20,642 કરોડ, બંદરો (પોર્ટ) અને પરિવહન માટે રૂા. 3514 કરોડ, જળસંપત્તિ વિકાસ માટે રૂા. 9705 કરોડ, પાણીપુરવઠા માટે રૂા. 6000 કરોડ, સાયન્સ ઍન્ડ ટેકનૉલૉજી માટે રૂા. 2193 કરોડ, કૃષિ, ખેડૂત કલ્યાણ, સહકાર માટે રૂા. 21,605 કરોડ, ઉદ્યોગ ખાણ-ખનિજ માટે રૂા. 8589 કરોડ, વન અને પર્યાવરણ વિકાસ માટે રૂા. 2063 કરોડ, જળ-વાયુ પરિવર્તન માટે રૂા. 937 કરોડ, ગૃહવિભાગ માટે રૂા. 8574 કરોડ, કાયદા વિભાગ માટે રૂા. 2014 કરોડ, મહેસુલ વિભાગ માટે રૂા. 5140 કરોડ, સામાન્ય વહીવટ માટે રૂા. 1980 કરોડ અને માહિતી પ્રસારણ માટે રૂા. 257 કરોડનો સમાવેશ થાય છે.