એજન્સીસ નવી દિલ્હી, તા. 28 ફેબ્રુ.
આમ આદમી પક્ષના નેતાઓ મનીષ સિસોદિયા અને સત્યેન્દર જૈને દિલ્હી કૅબિનેટમાંથી રાજીનામું આપ્યું છે. મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે તેમનાં રાજીનામાં સ્વીકારી લીધાં છે.
આ અગાઉ આજે સુપ્રીમ કોર્ટે મનીષ સિસોદિયાની ધરપકડમાં `આ તબક્કે' હસ્તક્ષેપ કરવાનો ઈનકાર કર્યો હતો. વડા ન્યાયમૂર્તિ ડી. વાય. ચન્દ્રચૂડના વડપણ નીચેની બેન્ચે સિસોદિયાને `વૈકલ્પિક ઉપાયો'નો ઉપયોગ કરવાની સલાહ આપી હતી. આનો અર્થ એ કે સિસોદિયાએ પ્રથમ હાઈ કોર્ટમાં જવું પડશે. દિલ્હીની એક્સાઈઝ નીતિ સંબંધી કેસમાં સીબીઆઈએ નાયબ મુખ્ય પ્રધાન સિસોદિયાની ધરપકડ કરતા તેમણે સુપ્રીમ કોર્ટના દરવાજા ખટખટાવ્યા હતા.
સિસોદિયા હાલ સીબીઆઈના પાંચ દિવસના રિમાન્ડ પર છે. દિલ્હીની વિશેષ અદાલતે કહ્યું હતું કે `યોગ્ય અને ન્યાયી' તપાસ માટે સિસોદિયાને જે સવાલો પુછાય તેના `સાચા અને ઉચિત' જવાબો મેળવવા માટે તેમને રિમાન્ડ પર રાખવા જરૂરી છે.