કોચી, તા. 7 માર્ચ
તુર્કીમાં તાજેતરમાં સર્જાયેલા ધરતીકંપને કારણે ભારતની જરદાલુની આયાત અવરોધાતાં સ્થાનિક બજારોમાં તેની અછત સર્જાઇ છે અને તેના ભાવ વધ્યા છે. જરદાલુનો મોટા પાયે પાક લેતા પૂર્વીય એનાટોલિયાના વિસ્તાર મલાત્યામાં ભૂકંપને કારણે ગંભીર નુકસાન થયું હોવાથી જરદાલુના પાકને ભારે અસર થઈ છે.
સૂકાં જરદાલુના સૌથી મોટા ઉત્પાદક તુર્કીમાં પાછલા વર્ષના પાકનો કેરી-ઓવર સ્ટોક ઓછો હોવાને કારણે અને તેને પગલે પુરવઠાની ખેંચને કારણે ભારતનાં બજાર ઉપર અસર જોવા મળે છે, એમ બેટા ગ્રુપના ચેરમેન જે. રાજમોહન પિલ્લાઇએ જણાવ્યું છે. તેમણે ઉમેર્યું કે હાલ જે પરિસ્થિતિ સર્જાઇ છે, તેનાથી સ્થાનિક બજારોમાં સૂકાં જરદાલુનો પુરવઠો ખૂટ્યો છે અને ભાવ પ્રતિ કિલો રૂા. 980થી વધીને રૂા. 1200 થયા છે. ભૂકંપમાં સૂકાં જરદાલુની મોટા ભાગની ફેક્ટરીઓ નાશ પામતાં બેટા ગ્રુપને બજારમાંથી પોતાની ઓફર પાછી ખેંચી લેવાની ફરજ પડી છે. તૂર્કીના ઘણા વિક્રેતાઓએ પોતાની ઓફર પાછી ખેંચી લીધી છે.
હજુ ત્રણેક મહિના સુધી કોઈ વિક્રેતા કામકાજ શરૂ કરી શકે તેમ નથી જણાતું અને મલાત્યાથી થતી નિકાસ મે મહિના પછી જ શરૂ થશે તેવી ધારણા છે. શ્રમિકો નહીં મળવાને કારણે પણ ફેક્ટરીઓનાં કામકાજ આડે અવરોધો સર્જાયા છે.
તુર્કીએ વર્ષ 2020માં 1.4 અબજ ડોલરનાં સૂકાં જરદાલુનાં વેચાણ નોંધાવ્યાં હતાં, જે 2027 સુધીમાં સરેરાશ વાર્ષિક નવ ટકા વધીને 2.11 અબજ ડોલર થવાની ધારણા છે. વર્ષ 2021-22માં તુર્કીમાં જરદાલુનું ઉત્પાદન 91થી 96 હજાર ટન નોંધાયું હોવાનું ટર્કીશ એમટીબી (મલાત્યા ટિકારેટ બોર્સાસી)એ જાહેર કરેલા સત્તાવાર આંકડા દર્શાવે છે. જોકે, ભૂકંપ પછી બજારના સૂત્રોના મતે ઉત્પાદન ઘટીને 80,000 ટન થવાની ધારણા છે.
મુંબઈના સૂકા મેવાના આયાતકાર સિદ્ધિર્થ ખાવાવાલોએ પણ જણાવ્યું છે કે સ્થાનિક બજારમાં સપ્લાય ચેઇન ખોરવાતાં જરદાલુની અછત સર્જાશે. તૂર્કીથી સૂકાં જરદાલુની દર મહિને 50 ટન જેટલી આયાત થાય છે, જ્યારે લીલાં જરદાલુ અફઘાનિસ્તાનથી આયાત કરાય છે. પરંતુ બજારમાં લીલાં જરદાલુની માગ ઓછી હોય છે.
જોકે, પુરવઠો ખોરવાવાને કારણે ઘરઆંગણાના બજાર ઉપર કોઈ મોટી અસર થશે નહીં, કેમકે તહેવારોની સિઝન પૂરી થવા આવી છે. હવે બજારમાં રમઝાનના ઉપવાસ શરૂ થશે તે પછી માગ જોવા મળશે, એમ તેમણે જણાવ્યું હતું.