• રવિવાર, 26 માર્ચ, 2023

સૌરાષ્ટ્રમાં જીંજરાં, શેરડી અને બોર ખરીદવા ધસારો  

બે દિવસ રાજકોટ યાર્ડમાં 10 હજાર મણ કરતાં વધુ જીંજરાં આવ્યા

અમારા પ્રતિનિધિ તરફથી 

રાજકોટ, તા. 13 જાન્યુ. 

અગાશી પર ઉજવાતા સંક્રાંતનો ઉત્સવ ઉજવવા સૌરાષ્ટ્રના લોકોમાં ભારે થનગનાટ છે. પતંગ અને દોરાની ખરીદીની સાથે છેલ્લી ઘડીએ શેરડી, જીંજરા અને ગોલાબોર ખરીદવા માટે લોકો ઉમટી પડ્યા હતા. ગુરુવાર અને શુક્રવાર બન્ને દિવસે રાજકોટ યાર્ડમાં વેચાણ માટે વ્યવસ્થા રાખવામાં આવી હતી. જ્યાં રિટેઇલ વેચતા વેપારીઓને ચિક્કાર ખરીદી કરી હતી.  રાજકોટ યાર્ડમાં જીંજરાની આવક બે દિવસથી રોજ 10 હજાર મણ સુધી પહોંચી ગઇ હતી. 

રાજકોટ યાર્ડ શાકભાજી વિભાગના કે.વી. ચાવડા કહે છે કે, યાર્ડમાં ગુરુવારે 10 હજાર મણ જીંજરાની આવક થઇ હતી. શુક્રવારે આખો દિવસ આવક ચાલુ રાખીને શનિવારે સવારે બંધ કરવામાં આવી હતી. જીંજરાનો ભરપૂર ઉપાડ હોવાથી આખો દિવસ વેચાણ કરાયું હતુ. એ માટે 25 જેટલા થડાં પણ ફાળવવામાં આવ્યા હતા.  

તેમણે કહ્યું કે, જીંજરાની આવક આસપાસના ખેતરોમાંથી અને લીમડી તથા ભાલ પંથકમાંથી થાય છે. યાર્ડમાં ગુરુવારે 10 હજાર મણ જીંજરા ઠલવાયા હતા અને તેનો ભાવ મણે રૂા. 100-350 જેટલો હતો. રિટેઇલમાં ખરીદવા ઇચ્છતા લોકો પણ યાર્ડમાં પડાપડી કરવા લાગ્યા છે. મોટાં જથ્થામાં સ્ટોલ ખોલનારા લોકો મેટાડોર ભરીને લઇ જાય છે. શેરડીની આવક પણ ખૂબ વધી છે. કોટડા સાંગાણી અને જામનગર રોડ પર શેરડીનું વાવેતર ઘણું છે ત્યાંથી યાર્ડમાં વેચાણ માટે અનેક વાહનો ભરાઇને આવે છે. મણે રૂા. 250-400નો ભાવ ગ્રાહક પ્રમાણે ચાલે છે. લાવલાવને લીધે બજાર ભાવમાં અત્યારે ઉડાઉડ સ્થિતિ છે. શેરડી છૂટકમાં એક કિલોએ રૂા. 50-100માં વેચાય છે. જીંજરા આખા રૂા. 30-40માં અને પોપટા રૂા. 50-60માં વેચાય છે. જોકે, હવે એક દિવસ પૂરતા અનાબશનાબ ભાવથી વેચાયા હતા. 

ગોલાબોરની આવક પણ રાજકોટમાં ખૂબ સારી છે. એ યાર્ડમાં આવતા નથી, પણ કુવાડવા રોડ પર મેંગો માર્કેટમાં ઠલવાય છે. ગોલાબોરનું ઉત્પાદન સારું છે અને ભાવનગર તથા લોકલ ખેડૂતો દ્વારા લાવવામાં આવે છે.

ઊંધિયું બનાવવા યાર્ડમાં શાકભાજીની ધૂમ ખરીદી 

મકરસંક્રાંતિએ ઘરમાં તો ઉંધિયું બનતું જ હોય છે, પણ ડેરી ફાર્મ અને અન્ય વેપારીઓ દ્વારા પણ ખૂબ મોટાં પ્રમાણમાં ટર્નઓવર કરવામાં આવે છે. ઉંધિયા માટેનું શાકભાજી ખરીદવા યાર્ડમાં કતારો લાગી રહી છે. યાર્ડની હરાજીમાં ઘરાકી એકદમ વધી ગઇ હતી. શુક્રવાર સવારની હરાજીમાં પણ પુષ્કળ લોકો આવ્યા હતા, એમ યાર્ડમાંથી જાણવા મળ્યું છે. શિયાળો બરાબર જામ્યો છે અને આ વખતે શાકભાજીનું ઉત્પાદન પણ ખૂબ થયું છે એટલે ભાવ નીચાં છે. જોકે, રિટેઇલમાં ઉંધિયાનો ભાવ રૂા. 200થી 400 પ્રતિ કિલો ચાલે છે.