• રવિવાર, 26 માર્ચ, 2023

સોયાબીન સહિત તેલીબિયાંનું વૈશ્વિક ઉત્પાદન ઘટશે 

ભારતમાં સોયાબીનનું 120 લાખ ટન ઉત્પાદન અને 97 લાખ ટન પિલાણ થશે 

અમારા પ્રતિનિધિ તરફથી 

મુંબઈ, તા. 14 માર્ચ 

અમેરિકાના કૃષિ વિભાગે વર્ષ 2022-23માં તેલીબિયાંનું વૈશ્વિક ઉત્પાદન લગભગ 70 લાખ ટન ઓછું થશે એમ જણાવતાં કુલ વૈશ્વિક ઉત્પાદન 63 કરોડ ટન થવાની સંભાવના છે. આર્જેન્ટિનામાં સોયાબીન અને સૂર્યમુખીનાં બીજ, જ્યારે ભારતમાં કપાસિયાંના ઓછા ઉત્પાદનથી આ ઘટાડો આવશે. આ ઘટાડાની આંશિક ભરપાઇ ઓસ્ટ્રેલિયા અને યુક્રેનમાં સરસવના ઉત્પાદનમાં વધારાથી થશે. અમેરિકાના કૃષિ વિભાગ (યુએસડીએ)એ વર્ષ 2022-23 માટે સોયાબીનનો સરેરાશ ભાવ 14.30 ડોલર પ્રતિ બુશેલ પર સ્થિર રાખ્યો છે. 

યુએસડીએએ વર્ષ 2022-23માં સમગ્ર દુનિયામાં સોયાબીનનું ઉત્પાદન 37.51 કરોડ ટન રહેવાનો અંદાજ મૂક્યો છે. ગયા મહિને આ અંદાજ 38.30 કરોડ ટન હતો. તે વર્ષ 2021-22માં 35.81 કરોડ ટન અને વર્ષ 2020-21માં 36.84 કરોડ ટન હતું. યુએસમાં સોયાબીનનું ઉત્પાદન વર્ષ 2022-23માં 11.63 કરોડ ટન થવાનો અંદાજ છે, જે વર્ષ 2021-22માં 12.15 કરોડ ટન અને વર્ષ 2020-21માં 11.47 કરોડ ટન હતો. બ્રાઝિલમાં વર્ષ 2022-23માં સોયાબીનનું ઉત્પાદન 15.30 કરોડ ટન રહેવાનો અંદાજ છે, જે વર્ષ 2021-22માં 12.95 કરોડ ટન અને વર્ષ 2020-21માં 13.95 કરોડ ટન હતું. 

આર્જેન્ટિનામાં સોયાબીનનું ઉત્પાદન 2022-23માં સોયાબીનનું ઉત્પાદન પાછલા મહિનાના અંદાજ 4.10 કરોડ ટનથી ઘટીને હવે 3.30 કરોડ ટન રહેવાનો અનુમાન છે, જે 2021-22માં 4.39 કરોડ ટન અને વર્ષ 2020-21માં 4.62 કરોડ ટન હતું. ચીનમાં સોયાબીનનું ઉત્પાદન 2022-23માં 2.02 કરોડ ટન રહેવાની સંભાવના છે, જે વર્ષ 2021-22માં 1.63 કરોડ ટન અને 2020-21માં 1.96 કરોડ ટન હતું. યુએસડીએનું કહેવું છે કે વર્ષ 2022-23માં ચીનની સોયાબીનની આયાત 9.60 કરોડ ટન રહેવાની સંભાવના છે. આ આયાતવર્ષ 2021-22માં 9.15 કરોડ ટન હતી. 

યુએસડીએએ પોતાના અહેવાલમાં વર્ષ 2022-23માં બ્રાઝિલની સોયાબીન નિકાસ વર્ષ 2021-22માં 7.90 કરોડ ટનની સરખામણીએ 9.27 કરોડ ટન રહેવાનો અંદાજ મૂક્યો છે. અમેરિકાની સોયાબીન નિકાસ વર્ષ 2022-23માં 5.48 કરોડ ટન રહેવાની ધારણા છે, જ્યારે વર્ષ 2021-22માં તે 5.87 કરોડ ટન હતી. આર્જેન્ટિનાની સોયાબીનની નિકાસ 2022-23માં 34 કરોડ ટન રહેવાની સંભાવના છે. જે વર્ષ 2021-22માં 28.61 લાખ ટન હતી. પેરુગ્વેની સોયાબીનની નિકાસ વર્ષ 2022-23માં 64 લાખ ટન થવાની સંભાવના છે. જે વર્ષ 2021-22માં 22.73 લાખ ટન હતી. 

અમેરિકન ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રિકલ્ચર અનુસાર ભારતમાં વર્ષ 2022-23માં સોયાબીનનું ઉત્પાદન 120 લાખ ટન થવાનો અંદાજ છે. આ ઉત્પાદન વર્ષ 2021-22માં 119 લાખ ટન અને વર્ષ 2020-21માં 104.50 લાખ ટન હતું. ભારતમાં વર્ષ 2022-23માં 97 લાખ ટન સોયાબીનનું પિલાણ થવાનો અંદાજ છે. વર્ષ 2021-22માં 85 લાખ ટન અને વર્ષ 2020-21માં પણ 100 લાખ ટન સોયાબીનનું પિલાણ થયું હતું. 

સમગ્ર દુનિયામાં વર્ષ 2022-23માં સોયાબીનનો અંતિમ સ્ટોક 10 કરોડ ટન રહેવાનો અંદાજ છે. ગયા મહિને આ અંદાજ 10.20 કરોડ ટન હતો. સોયાબીનનો ક્લાઝિંગ સ્ટોક વર્ષ 2021-22માં 9.90 કરોડ ટન અને વર્ષ 2020-21માં 10 કરોડ ટન હતો.