• રવિવાર, 26 માર્ચ, 2023

કેસરના ભાવ ઘટયા  

અમારા પ્રતિનિધિ તરફથી 

મુંબઈ, તા. 17 માર્ચ

કેસરનો સારો પાક અને માગ હળવી થવાથી ગયા  મહિનાથી કેસરના ભાવ ઘટયા છે.કેસરના પાકની નવેમ્બરથી શરૂ થયેલી આવક, ગયા મહિને પૂરી થઈ છે. અર્થાત્ કેસરનાં ફૂલમાંથી કેસરના તાંતણા ચૂંટવાનું કામ પૂરું થયું છે, એમ વાશીની એપીએમસીના કેસરના વેપારીનું કહેવું છે.

કોરોનાના સમયગાળા બાદ, આ વર્ષે કેસરની માગ સારી રહી હતી. સામાન્ય રીતે ફેબ્રુઆરીના મધ્યથી માર્ચ અંત સુધી કેસરની બજાર માગની દૃષ્ટિએ સાધારણ રહેતી હોય છે, તેથી બજાર ઘટી છે.કેસરના અગ્રણી વપરાશકાર કેટરિંગ હૉટેલ-રેસ્ટોરાં અને મીઠાઈવાળાઓની માગ ડિસેમ્બર મહિના બાદ 10-20 ટકા જેવી સુધરી છે. કેસરનો પાક સારો થયાના અહેવાલથી ડિસેમ્બરમાં બજાર સાધારણ હળવી થઈ હતી. મથકે માલબોજ છે, માગ સાધારણ હોવાથી ભાવમાં નરમાઈ આગળ વધી છે.

વાશીસ્થિત એપીએમસીમાં કરવેરા સિવાય કેસરના વિવિધ જાતવાર ભાવ-કાશ્મીરી મોગરા એ-ગ્રેડના ઘટીને પ્રતિ કિલો રૂા. એક લાખ બાવન હજાર, અફઘાનિસ્તાનની સારી ગુણવત્તાના પણ ઘટીને રૂા. 98,000-99,000 અને હલકી ગુણવત્તાના રૂા. 88,000ના સ્તરે જળવાઈ રહ્યા છે.