મુંબઈ, તા. 17 માર્ચ
કેન્દ્ર સરકાર આ વર્ષે ટેકાના ભાવની યોજના હેઠળ કેરળમાંથી 50,000 ટન મીલિંગ કોપરાંની ખરીદી કરશે. કોપરાંની ખરીદી માટે રાજ્ય સરકાર તારીખ નક્કી કરી શકશે. તારીખ જાહેર થયાના છ મહિના તે માન્ય રહેશે. કોપરાંના ટનદીઠ ટેકાના ભાવ રૂા. 10,860 અને બજાર ભાવ રૂા. 8,650 હોવાથી કોપરાના ખેડૂતોને લાભ થશે, એમ ખેડૂતોનું કહેવું છે. કોપરાના ખેડૂતોને ગયા વર્ષની જેમ આ યોજના નિષ્ફળ જવાનો ભય લાગી રહ્યો છે. ગયા વર્ષે કેરળ સરકારે 50,000 ટન કોપરાની ખરીદી કરાશે એમ જાહેર કર્યું હોવા છતાં માત્ર 255 ટનની જ ખરીદી કરી હતી.
ખુલ્લા બજારમાંથી કોપરાંની ખરીદીમાં ખેડૂતો અને વેપારીઓને શામેલ કરવાથી ભાવ વધી શકે છે, એમ કોચીન અૉઈલ મર્ચન્ટ્સ એસોસિયેશનના ડિરેક્ટર તલત મહેમૂદે કહ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું કે તેની ગુણવત્તાને અસર થાય નહિ તે માટે ખરીદી કરેલાં કોપરાંનું વેચાણ ત્રણ મહિનાના સમયગાળામાં કરવું જોઈએ.
માળખાકિય સુવિધાઓનો અભાવ હોવા છતાં કેરળ સરકાર 500 ટનથી વધુ કોપરાંની ખરીદી કરવાની હોવાથી સત્તાવાર સૂત્રોને આશ્ચર્ય થયું છે.
તામિલનાડુ કૃષિ વિભાગે બજારમાંથી સીધેસીધી 40,000 ટન કોપરાંની ખરીદી કરતાં ખેડૂતોને રૂા. 80 કરોડ મળ્યાં છે, જ્યારે કેરળ સરકારની ખરીદીમાં તેઓએ માત્ર રૂા. 40 લાખ મેળવેલ છે. આથી ખેડૂતોને આ યોજના નિષ્ફળ જવાનો ભય જણાઈ રહ્યો છે.