સ્મિતા જાની
મુંબઈ, તા. 17 માર્ચ
કેલિફોર્નિયામાં બદામના પાકનો અંદાજ ઘટાડતાં તેજીનું વાતાવરણ સર્જાયું છે.
આ વર્ષે કેલિફોર્નિયામાં બદામનો પાક 2.6 અબજ ટન અને આગામી પાક ત્રણ અબજ ટન થવાનો અંદાજ મુકાયો હતો. ભારે બરફવર્ષા અને વાવાઝોડાની હવામાન વિભાગની આગાહીથી પાકનો અંદાજ અનુક્રમે ઘટાડીને 2.3 અને 2.4 બિલિયનનો મુકાયો છે. જો અંદાજ મુજબ પાક ઓછો આવશે તો વાશીની જથ્થાબંધ બજારમાં આ મહિને કિલોએ રૂા. 50 વધી જશે એમ સૂત્રોનું કહેવું છે. ઈરાનમાં મામરોનો પાક 25 ટકા વધુ થયો છે તેથી મથકે ભાવ ઘટયા છે. અમેરિકન અને ઈરાનની મામરો બદામમાં ગુણવત્તાની દૃષ્ટિએ ખાસ ફરક નથી તે બાબતને અમેરિકાના હેલ્થ ન્યુટ્રિશિયનના અહેવાલમાં રદિયો અપાયો છે તે જાહેર થતાં ઈરાને મામરોનું ઉત્પાદન વધાર્યું અને ઓછા ભાવે વેચાણ કરી રહ્યું છે.
સ્થાનિક બજારમાં આગલાં બે વર્ષનો માલ હતો. આયાતકારોને ઊંચા ભાવ મળવાની આશા હતી. મંદ માગને લીધે તે નિષ્ફળ નીવડતા આયાત ઘટી છે. મંદ માગમાં આયાતકારોએ ઓછા ભાવે વેચાણ કર્યું નહિ, તેથી બદામમાં તેજી જણાતી નહોતી. આમ સ્થાનિકમાં છેલ્લા છ મહિનાથી બદામની બજાર કુટાતી રહી હતી.
ફેબ્રુઆરીમાં યોજાયેલ ગલ્ફ ડ્રાયફ્રુટ ફેરમાં કેલિફોર્નિયાને ભારતમાં રમજાન નિમિત્તે મોટી ઘરાકી નીકળવાની આશા હતી તેથી પાઉન્ડદીઠ 15થી 20 સેન્ટ વધારીને બુકિંગ ભાવ 1.75 સેન્ટ મૂક્યો આયાતકારો પાસે ઓછા ભાવનો માલ હતો તેથી બુકિંગ નીરસ રહ્યું.
કેલિફોર્નિયામાં બરફવર્ષા અને વાવાઝોડાથી પાકને નુકસાન થતાં તેજી આવવાની સંભાવના વધી ગઈ છે. પરિણામે બુકિંગ ભાવ વધીને પાઉન્ડદીઠ 1.80થી 1.85 સેન્ટ થઈ ગયા. કેલિફોર્નિયામાં અગાઉ પાક સારો આવવાની સંભાવના હતી. કુદરતી આપત્તિ સર્જાવાથી હવે ત્યાં બદામમાં મંદીને બદલે તેજીનું વાતાવરણ સર્જાયું છે.