• રવિવાર, 26 માર્ચ, 2023

કપાસનો પાક ઘટવાનું અનુમાન : સીએઆઈ

અમદાવાદ, તા. 17 માર્ચ 

તેલંગણા અને મહારાષ્ટ્રના કપાસ ઉગાડતા પ્રદેશોમાં કપાસનું ઉત્પાદન ઘટતાં 2022-23ની કૉટન સિઝન (અૉક્ટોબરથી સપ્ટેમ્બર)માં કપાસનું ઉત્પાદન ઘટીને 313 લાખ ગાંસડીઓ (170 કિલોની એક ગાંસડી) થવાનો અંદાજ છે. અગાઉ 321.50 લાખ ગાંસડીઓનું ઉત્પાદન થવાનો અંદાજ હતો. ગત વર્ષે 307 લાખ કપાસની ગાંસડીઓનાં ઉત્પાદનનો અંદાજ હતો.

કૉટન ઍસોસિયેશન અૉફ ઇન્ડિયા (સીએઆઈ)ની ક્રોપ કમિટીની બેઠક બુધવારે મળી હતી તેમાં જણાવ્યું હતું કે તેલંગણામાં ત્રણ લાખ ગાંસડીઓ, મહારાષ્ટ્રમાં બે લાખ ગાંસડીઓ, હરિયાણા અને કર્ણાટકમાં એક-એક લાખ ગાંસડીઓ તેમ જ પંજાબ અને તામિળનાડુમાં 50,000 ગાંસડીઓનું ઉત્પાદન ઘટવાનો અંદાજ છે. આમ અગાઉના અંદાજ કરતાં કુલ 8.5 લાખ ગાંસડીઓનું ઉત્પાદન ઓછું થવાની વકી છે.

સીએઆઈનું માનવું છે કે 300 લાખ ગાંસડીઓનું ઉત્પાદન થશે તો પણ તેનો વપરાશ એટલો જ રહેશે. ચાલુ સિઝનમાં કુલ 356.89 લાખ ગાંસડીઓ વપરાશ માટે ઉપલબ્ધ રહેશે તેવો અંદાજ છે. ચાલુ વર્ષનો 313 લાખ ગાંસડીઓનો પાક, ઉપરાંત લગભગ 12 લાખ ગાંસડીઓની આયાત અને ગત સિઝનનો 31.89 લાખ ગાંસડીઓનો જમા રાખેલો સ્ટૉક એમ બધું થઈને કુલ 356.89 લાખ કપાસની ગાંસડીઓ ઉપલબ્ધ રહેશે.

સીએઆઈના પ્રમુખ અતુલ ગણાત્રાએ જણાવ્યું હતું કે ગત વર્ષે આ સમયે 206 લાખ ગાંસડીઓ બજારમાં આવી ગઈ હતી જે આ વર્ષે તેનાથી 51  લાખ ઓછી ગાંસડીઓ આવી છે તે એક ચિંતાનો વિષય છે. 

કપાસનો સૌથી વધુ પાડ ઉગાડતાં ગુજરાતમાં લગભગ 94 લાખ ગાંસડીઓ, મહારાષ્ટ્રમાં 78 લાખ ગાંસડીઓ, તેલંગણામાં 38 લાખ ગાંસડીઓ અને કર્ણાટકમાં 20 લાખ ગાંસડીઓનું ઉત્પાદન થવાનો અંદાજ છે. આ ઉપરાંત રાજસ્થાનમાં 27 લાખ ગાંસડીઓ, હરિયાણામાં 11 લાખ ગાંસડીઓ, મધ્યપ્રદેશમાં 19 લાખ ગાંસડીઓ અને આંધ્ર પ્રદેશમાં 11.5 લાખ ગાંસડીઓનું ઉત્પાદન થવાનો અંદાજ છે. ફેબ્રુઆરી સુધીમાં કપાસની 6 લાખ ગાંસડીઓની આયાત થઈ હતી અને 8 લાખ ગાંસડીઓની નિકાસ થઈ હતી.