• રવિવાર, 26 માર્ચ, 2023

વૈશ્વિક વ્યાપારમાં રૂપિયાના ઉપયોગ માટે 18 દેશોને વોસ્ટ્રો એકાઉન્ટ ખોલવાની મંજૂરી  

નવી દિલ્હી, તા. 17 માર્ચ 

રિઝર્વ બૅન્ક ઓફ ઈન્ડિયાએ સંબંધિત બૅન્કોમાં સ્પેશિયલ રૂપી વોસ્ટ્રો એકાઉન્ટસ (એસઆરવીએસ) ખોલવા માટે 18 દેશોની 60 વિનંતીઓ મંજૂરી કરી છે. આ દેશોમાં બ્રિટન, સિંગાપોર અને ન્યૂઝીલેન્ડ સહિતના દેશોનો સમાવેશ થાય છે, એમ નાણાં મંત્રાલયે મંગળવારે લોકસભામાં જણાવ્યું હતું.જુલાઈ 2022માં રિઝર્વ બૅન્કે આંતરરાષ્ટ્રીય વ્યાપારના ઈન્વોઈસિંગ અને પેમેન્ટ માટે રૂપિયાનો ઉપયોગ કરવાની મંજૂરી આપી હતી. વૈશ્વિક ટ્રેડિંગ કંપનીઓના રૂપિયાના ચલણમાં વધતાં જતા રસને ટેકો આપવા અને ભારતમાંથી થતી નિકાસ સહિતના વૈશ્વિક વ્યાપારને પ્રોત્સાહન આપવા માટે રિઝર્વ બૅન્કે રૂપિયાને આંતરરાષ્ટ્રીય ચલણ તરીકે રજૂ કરવાની વ્યવસ્થા ગોઠવી હતી. રિઝર્વ બૅન્કે આ માટે એક એવું માળખું તૈયાર ર્ક્યુ હતું કે જો કોઈ દેશ ભારત સાથે રૂપિયામાં વ્યાપાર કરવા માગતો હોય તો આ માળખું તેને અનુકૂળ આવે.

આપણા ભાગીદાર દેશોની બૅન્કો એસઆરવીએઝ ખોલવા માટે ભારતની ઓથોરાઈઝડ ડિલર (એડી) બૅન્કોનો સંપર્ક કરી શકે છે. ત્યારબાદ ભારતના એડી મંજૂરી માટે બધી વિગત સાથે રિઝર્વ બૅન્કનો સંપર્ક કરી શકે છે.

નાણાં મંત્રાલયના રાજ્ય કક્ષાના પ્રધાન ભાગવત કરાડે એક લેખિત જવાબમાં જણાવ્યું હતું કે રિઝર્વ બૅન્કે સ્થાનિક અને વિદેશી બૅન્કો દ્વારા 18 દેશોની 60 વિનંતીઓ માટે એસઆરવીએઝ ખોલવાની છૂટ આપી છે. વિશ્વના 18 દેશોમાં બોટ્સવાના, ફિજી, જર્મની, ગુયાના, ઈઝરાયલ, કેનિયા, મલેશિયા, મોરેશિયસ, મ્યાનમાર, ન્યૂઝીલેન્ડ, ઓમાન, રશિયા, સેશલ્સ, સિંગાપુર, શ્રીલંકા, ટાન્ઝાનિયા, યુગાન્ડા અને બ્રિટનનો સમાવેશ થાય છે.