• રવિવાર, 26 માર્ચ, 2023

કોવિડ પર ``નિર્ણાયક વિજય મેળવ્યા બાદ'' ચીને ત્રણ વર્ષ પછી વિદેશી પ્રવાસીઓ માટે દરવાજા ખોલ્યા  

નવી દિલ્હી, તા. 17 માર્ચ 

ચીનમાં છેલ્લાં ત્રણ વર્ષમાં સૌપ્રથમવાર વિદેશી મુસાફરોને આવવાની મંજૂરી આપવામાં આવી છે. કોવિડ-19 શરૂ થયા બાદ ચીને પહેલીવાર બુધવારથી દરેક પ્રકારના વિઝાને મંજૂરી આપી છે. કોવિડ સામેના સુરક્ષાના પગલાં તરીકે વિદેશી પ્રવાસીઓ પર નિયંત્રણો લાદવામાં આવ્યાં હતાં.

ચીની સત્તાવાળાઓએ ગત મહિને કોવિડ 19 સામે ``નિર્ણાયક વિજય''ની ઘોષણા કરીને વિદેશી પ્રવાસીઓ પરનાં નિયંત્રણો હટાવી લેવાની જાહેરાત કરી હતી.

કોવિડ ઝીરોનાં નિયંત્રણો હટાવી લીધા બાદ ચીનના સામ્યવાદી પક્ષે મજબૂત વિકાસના પુનરાગમને પ્રાથમિકતા આપી છે. ચીનના નવા વડા પ્રધાન લી કિઆંગે આ સપ્તાહમાં રાષ્ટ્રીય ધારાસભાની એક બેઠકને સંબોધતાં 2023માં પાંચ ટકાનો વિકાસદર હાંસલ કરવા માટે વધુ પુરુષાર્થ કરવાની હાકલ કરી હતી.

ચીનમાં યોજાતા વિવિધ કાર્યક્રમોમાં હવે વિદેશી મુલાકાતીઓ હાજરી આપી શકશે. આ મહિનાના અંતમાં બીજિંગમાં યોજાનારા ચીન ડેવલપમેન્ટ ફોરમ તેમ જ એપ્રિલમાં યોજાનારા શાંઘાઈ ઓટો શો જેવા કાર્યક્રમોમાં હવે પરદેશી પ્રવાસીઓ હાજરી આપી શકશે.

ગત વર્ષે ચીનનાં કોવિડ નિયંત્રણોને કારણે દર ચાર વર્ષે યોજાતી એશિયન ગેમ્સ પાછી ઠેલાઈ હતી. હવે તે સપ્ટેમ્બરમાં ચીનના પૂર્વીય શહેર હાંગઝાઉમાં યોજાશે, તેમાં પણ બહારના દેશોના મુલાકાતીઓ આવશે.

જોકે સંભવિત વિદેશી પ્રવાસીઓ તાત્કાલિક મોટા પ્રમાણમાં આવે તેવું લાગતું નથી. ચીન અને બાકીના વિશ્વમાં પ્રવાસીઓની આવનજાવન વધે તે માટે ચીને વિદેશી મુસાફરોને વિઝા આપવાનાં નિયંત્રણો હટાવી લીધાં છે. આ ઉપરાંત ચીને જાન્યુઆરીમાં તેના નાગરિકોની વિદેશયાત્રા પરનાં નિયંત્રણો હટાવી લીધાં છે.

2022માં ચીનમાંથી બહાર જતી અને આવતી ફક્ત 11.57 કરોડ મુસાફરીઓ થઈ હતી. જે કોરોના પહેલાના 2019ના વર્ષની કુલ ટ્રીપના ફક્ત પાંચમા ભાગ જેટલી હતી, એમ ચીનના પબ્લિક સિક્યોરિટી મંત્રાલયે જણાવ્યું હતું. ચીનના નિવાસીઓએ ગત વર્ષે 6.46 કરોડ મુસાફરીઓ કરી હતી જે કોવિડ પહેલાના વર્ષ કરતાં લગભગ પાંચમા ભાગની હતી.