• રવિવાર, 26 માર્ચ, 2023

છેલ્લાં બે વર્ષમાં ખરાબ લોન ઘટી પરંતુ ઇરાદાપૂર્વકના ડિફોલ્ટરો વધ્યા  

મુંબઈ, તા. 17 માર્ચ 

છેલ્લાં બે વર્ષમાં બૅન્કિંગ સિસ્ટમમાં ગ્રોસ નોન પરફોર્મિંગ એસેટ્સ (એનપીએ) અથવા ખરાબ લોન (બેડ લોન)નું પ્રમાણ ઘણું ઘટી ગયું છે, પરંતુ વિલફુલ ડિફોલ્ટર્સ (ઇરાદાપૂર્વક નાણાં નહીં ચૂકવતા ધિરાણદારો)નું પ્રમાણ વધી ગયું છે, અને તેમાં પણ વધુને વધુ વારસાગત વિલફુલ ડિફોલ્ટર્સનું પ્રમાણ વધતું જાય છે, એમ રિઝર્વ બૅન્કના આંકડા જણાવે છે. છેલ્લાં બે વર્ષમાં વિલફુલ ડિફોલ્ટરમાં રૂા. 94,000 કરોડ (38.5 ટકા)નો વધારો થયો છે. જે દર્શાવે છે કે બૅન્કિંગ ક્ષેત્રમાં લોનનું મૂલ્યાંકન અને જોખમ વ્યવસ્થાપન વચ્ચેનો ગાળો વધતો જાય છે. 31 ડિસેમ્બર 2022ના રોજ દેશમાં રૂા. 3,40,570 કરોડના 15,778 વિલફુલ ડિફોલ્ટ એકાઉન્ટ હતા, જ્યારે 31 ડિસેમ્બર 2021ના રોજ રૂા. 2,85,583 કરોડના 14,206 એકાઉન્ટ હતા અને 31 ડિસેમ્બર 2020ના રોજ રૂા. 2,45,888 કરોડના 12,911 એકાઉન્ટ હતા, એમ ટ્રાન્સયુનિયન સિબિલે જણાવ્યું હતું. રિઝર્વ બૅન્ક અૉફ ઇન્ડિયાની વ્યાખ્યા મુજબ જે ધિરાણદાર લેણદારને નાણાં પરત ચૂકવવા માટે સક્ષમ હોવા છતાં ઇરાદાપૂર્વક નાણાં ન ચૂકવે તેને વિલફુલ ડિફોલ્ટર કહેવાય છે.

જોકે એક બૅન્ક અધિકારીએ જણાવ્યું હતું કે વિલફુલ ડિફોલ્ટરના વધેલા આંકડાઓને વર્તમાન પરિસ્થિતિ સાથે કશો સંબંધ નથી. આ ડિફોલ્ટ ભૂતકાળમાં થયા છે, વર્તમાનમાં નહીં. તેમની પાસેથી નાણાં પરત મેળવવાની અને નાદારીની કાર્યવાહી ચાલી રહી છે.

રિઝર્વ બૅન્કના એક અહેવાલ `િરપોર્ટ અૉન ટ્રેન્ડઝ ઍન્ડ પ્રોગ્રેસ અૉફ બૅન્કિંગ'માં જણાવ્યું હતું કે 90 દિવસ સુધી મુદલ અથવા વ્યાજ ચૂકવવામાં આવ્યું ન હોય તેવી ખરાબ લોનો (ગ્રોસ એનપીએ)નું પ્રમાણ સપ્ટેમ્બર 2022માં કુલ ધિરાણ 5 ટકા થયું હતું. સપ્ટેમ્બર 2021માં તે 7.3 ટકા હતું. રકમની દૃષ્ટિએ 31 ડિસેમ્બર 2022 સુધીમાં ગ્રોસ એનપીએ (વિલફુલ ડિફોલ્ટર સહિતની) 19.5 ટકા ઘટીને રૂા. 6.1 લાખ કરોડ થઈ હતી જે ગત વર્ષે રૂા. 7.5 લાખ કરોડ હતી. દેશના કુલ વિલફુલ ડિફોલ્ટર્સમાંથી જાહેરક્ષેત્રની બૅન્કો પાસે રૂા. 2,92,666 કરોડના લગભગ 85 ટકા વિલફુલ ડિફોલ્ટર્સ હતા.