• રવિવાર, 26 માર્ચ, 2023

ચીનની માગ શરૂ થતાં કૉમોડિટીના ભાવમાં સુધારો  

અમારા પ્રતિનિધિ તરફથી 

મુંબઈ, તા. 17 માર્ચ

સમગ્ર વિશ્વમાં મંદીનું વાતાવરણ છવાયું હોવા છતાં ચીનની નવેસરથી માગ નીકળવાથી ઘણી કોમોડિટીના ભાવ કોરોનાના અગાઉના સ્તરે રહેવાની શક્યતા છે.

ક્રિસિલ ઈકોનોમિક રિસર્ચના તાજેતરના અહેવાલમાં જણાવ્યા મુજબ ગયા વર્ષે સ્ટીલના વૈશ્વિક ભાવ 50 ટકા વધ્યા હતા. તે માટે સ્ટીલમાં વપરાતું મુખ્ય રૉ મટિરિયલ કોકિંગ કોલનો ભાવવધારો થયો છે.

ઊંચા ઉત્પાદનખર્ચને લીધે આ વર્ષે ફલેટ સ્ટીલના ભાવ પણ ઊંચા રહેશે એમ અહેવાલમાં જણાવ્યું છે. અૉસ્ટ્રેલિયાના પુરવઠામાં વિક્ષેપ થવાથી સ્થાનિક ભાવ ફરી વધવાની શક્યતા છે. વર્ષોથી સળંગ ઘટાડો થયો હોવા છતાં સ્ટીલના ભાવ વર્ષ 2019ના ભાવ કરતા 1.3 ગણા ઊંચા રહેવાની શક્યતા છે.

ગયા વર્ષે સિમેન્ટના ભાવ ચાર ટકા વધ્યા હતા અને આ વર્ષે ત્રણ ટકા વધ્યા છે. પેટકોકનો ભાવવધારો તેમ જ કોલસાના ભાવમાં 150-170 ટકાનો વધારો થવાથી ઉત્પાદનખર્ચ વધ્યો છે. જોકે સિમેન્ટના ભાવ આ વર્ષે કોરોના કાળના અગાઉના વર્ષના સ્તરથી 1.2 ગણા ઊંચા રહી શકે છે.

મજબૂત માગ અને કોલસાના ઊંચા ભાવને લીધે ગયા વર્ષે એલ્યુમિનિયમના ભાવ લગભગ બાવન ટકા જેવા વધ્યા હતા. આ વર્ષે ઊર્જા અને અૉટોમોબાઈલ ક્ષેત્રની સારી માગથી ભાવ સાધારણ વધી શકે છે. જોકે ચીનનો સ્થિર પુરવઠો ભાવવધારાને મર્યાદિત રાખશે. તેમ છતાં ભાવ વર્ષ 2019 કરતાં લગભગ 20 ટકા ઊંચા રહેશે. પુરવઠાની સ્થિતિ સુધરી હોવા છતાં ઘટયા મથાળેથી માગ નીકળતાં આગામી વર્ષે કોપરના ભાવવધારાને ટેકો મળશે. કોપરના પુરવઠાની સ્થિતિ સતત તંગ હોવાથી તેના ભાવ કોરોનાકાળ પૂર્વેના સમયથી લગભગ 1.56 ગણા વધુ રહેવાની ધારણા છે. ઓપેક ક્રૂડતેલનો પુરવઠો કરે નહિ તો પણ આ વર્ષે ક્રૂડતેલના ભાવ સુધરીને 82-87 ડૉલર પ્રતિ બેરલ રહી શકે છે.

વિશ્વમાં મહદ્અંશે મંદી છે અને પુરવઠાની વૈશ્વિક શૃંખલામાં ફેર ગોઠવણીથી ભાવ ઉપર દબાણ આવશે. અર્થાત્ ઘટશે એમ ક્રિસિલ રિસર્ચનો અહેવાલ સૂચવે છે.

છેલ્લાં બે વર્ષથી યુરોપિયન યુનિયનમાં ગૅસની અછતને લીધે થર્મલ કેકના ભાવમાં વધારો થયો છે. તેથી વર્ષાનુવર્ષ ભાવ 180 ટકા જેવા વધ્યા છે. પુરવઠો સુધરવાથી અને ઠંડી પણ ઓછી થતાં આ વર્ષે ભાવ લગભગ 34 ટકા જેવા ઘટી શકે છે. અૉસ્ટ્રેલિયા અને ચીન વચ્ચે ભૂરાજકીય અજંપાને લીધે પુરવઠો અવરોધાતા ગયા વર્ષે કોકિંગ કોલના ભાવ વધ્યા હતા.