• રવિવાર, 26 માર્ચ, 2023

ગાંધીનગરમાં ચાલી રહેલી 49મી ડેરી ઉદ્યોગ પરિષદ   

વૈશ્વિક ડેરી બનવા પ્રજાતિ અને પશુ ઉત્પાદકતા સુધારવા ઉપર ધ્યાન આવશ્યક 

અમારા પ્રતિનિધિ તરફથી 

ગાંધીનગર, તા. 17 માર્ચ 

ભારતે વિશ્વની ડેરી બનવા માટે પ્રજાતિ સુધારણા અને પશુ ઉત્પાદકતા બનવામાં ધ્યાન આપવુ જોઈએ, એમ કેન્દ્રના પશુપાલન અને ડેરી ઉદ્યોગના પ્રધાન પરશોત્તમ રૂપાલાએ ડેરી ઉદ્યોગના આગેવાનોને સંબોધતાં જણાવ્યુ હતું. 16મીથી 19 માર્ચ દરમ્યાન ગાંધીનગરમાં ઈન્ડ્યિન ડેરી એસોસિએશનની 49મી ડેરી ઇન્ડસ્ટ્રી કોન્ફરન્સ અને એક્સપો યોજાયા છે. ગુજરાતમાં 27 વર્ષ પછી યોજાતી આ કોન્ફરન્સમાં સમગ્ર ભારત ઉપરાંત વિદેશથી ડેરી નિષ્ણાતો, સહકારી સંસ્થાઓ, દૂધ ઉત્પાદકો, સરકારી અધિકારી,વૈજ્ઞાનિકો, શિક્ષણવિદો, આયોજકો અને હિતધારકોને એકત્ર થયા છે. આ કોન્ફરન્સનો થીમ - ભારતને વિશ્વની ડેરી બનવા માટેની તક અને પડકારો છે. 

પરશોત્તમ રૂપાલાએ જણાવ્યું કે ભારતના ડેરી ઉદ્યોગે નોંધપાત્ર વેગ હાંસલ કર્યો છે અને તે વિશ્વને દૂધ અને ડેરી ઉત્પાદનો અંગે સુરક્ષિત કરી શકે તેમ છે. વૈશ્વિક ડેરી બનવા માટે ભારતે પ્રજાતિ સુધારણા પર ધ્યાન કેન્દ્રિત કરવું એ સમયની જરૂરિયાત છે. પશુ દીઠ સરેરાશ દૂધ ઉત્પાદન અઢીથી ત્રણ લીટર હોવા છતાં, આપણે દુનિયાના સૌથી મોટા દૂધ ઉત્પાદક છીએ. કલ્પના કરો કે ઉત્પાદકતા વધારીને 10 લીટર સુધી પહોંચે તો ભારત ડેરી ઉદ્યોગમાં ક્યાં સુધી આગળ ધપી શકે? આપણે પ્રજાતિ સુધારણાને મિશન મોડમાં સ્વીકારીને પોતાનુ ધ્યેય સાકાર કરવાનુ છે અને અમૃતકાલમાં ડેરી ક્ષેત્રને એક નવી ઊંચાઈએ પહોંચાડવાનો છે. 

ઈન્ડિયન ડેરી એસોસિએસનના પ્રમુખ આર.એસ. સોઢીએ જણાવ્યું હતું કે છેલ્લે ડેરી ઉદ્યોગની કોન્ફરન્સ 1996માં આણંદમાં યોજાઈ હતી. એ પછી ડેરી ક્ષેત્રે અજોડ વિકાસ હાંસલ કર્યો છે. એ સમયે ભારતમાં દૂધ ઉત્પાદન 71 મિલિયન ટન હતુ તે હવે વધીને 222 ટન સુધી પહોંચ્યુ છે. ભારતમાં દૂધ ઉત્પાદન 3 ગણુ વધ્યુ છે, જ્યારે ગુજરાતમાં ઉત્પાદન 9 ગણું વધ્યું છે જે દૈનિક 30 લાખ લીટરથી વધીને 270 લાખ લીટર થયું. ડેરી ક્ષેત્રે આત્મનિર્ભર અને કાર્યક્ષમ સપ્લાય ચેઈન બનીને તથા માળખાકીય સુવિધાઓમાં રોકાણ કરીને આપણે ડેરી ઉદ્યોગની વૃધ્ધિમાં યોગદાન આપી શકીએ તેમ છીએ. ઈન્ટરનેશનલ ડેરી ફેડરેશનના પ્રેસિડેન્ટ પીરક્રીસ્ટીઆનો બ્રેઝેલ વિશ્વમાં ડેરી ક્ષેત્રની સ્થિતિ અંગે પોતાના વિચાર વ્યકત કર્યા હતા. 

નીતિ આયોગના સભ્ય પ્રો. રમેશ ચંદે જણાવ્યુ કે દૂધ અને દૂધનાં ઉત્પાદનો દેશમાં પોષણની જરૂરિયાતો સંતોષવામાં મહત્વની કામગીરી બજાવે છે. તંદુરસ્ત વ્યક્તિને દૈનિક 380 મી.લી. દૂધની જરૂર હોય છે. જો બગાડને ધ્યાનમાં લઈએ તો ભારતમાં માથાદીઠ ઉત્પાદન 420 મી.લી. હોવો જોઈએ. અને એક દેશ તરીકે, આપણે આ સ્તર વર્ષ 2020-21માં વટાવી દીધો છે અને આપણું ઉત્પાદન ભલામણ કરેલ સ્તરોથી ઉપર છે. ભારતમાં દૂધની માંગ 6%ના દરે વધી રહી છે પરંતુ વસ્તી વૃદ્ધિ માત્ર 1% છે. ઉદ્યોગના વિકાસ માટે આપણે વિદેશનુ બજાર હાંસલ કરવુ અને દૂધની ગુણવત્તા સુધારવી જરૂરી છે. 

નેશનલ ડેરી ડેવલોપમેન્ટ બોર્ડના ચેરમેન મિનેશ શાહે જણાવ્યું કે આપણી પાસે વિઝન 2047ની બ્લુ પ્રિન્ટ તૈયાર છે. આપણે તે હાંસલ કરવા માટે આપણી એકરૂપતા (સીનર્જી)ને કામે લગાડવાની છે. આપણે દૂધાળાં ઢોરની ઉત્પાદકતા 4 ગણી કરવાની છે અને ભારતનાં દૂધ ઉત્પાદનોની નિકાસમાં 15 ટકાનો વધારો કરવાનો છે. અને ઈઘઙ26 લક્ષ્યો હાંસલ કરવા માટે ટકાઉ ગ્રીન પ્રેક્ટિસ બનાવો.  

ભારતમાં વર્ષ 2021-22 માં દૂધનુ ઉત્પાદન 222 મિલિયન ટન હતું અને તે વધતી વસતી, અને ખરીદશક્તિ તેમજ પોષણને અપાતા મહત્વને ધ્યાનમાં લેતાં વર્ષ 2047 સુધીમાં તે વધીને 628 મિલિયન ટન થવાની ધારણા છે. ભારતના ડેરી ક્ષેત્રનુ બજાર રૂ.13 લાખ કરોડનુ છે,તે જે વર્ષ 2027 સુધીમાં બમણુ થઈને રૂ. 30 લાખ કરોડનુ થવાનો અંદાજ છે. 

કોન્ફરન્સ દરમ્યાન દૂધ ઉત્પાદન,સંગ્રહ અને પેકેજીંગમાં નવી ટેકનોલોજી દર્શાવતુ પ્રદર્શન યોજાયુ છે. કેન્દ્રના ગૃહ અને સહકાર પ્રધાન અમિતશાહ, તા.18મી માર્ચના રોજ 10-30 કલાકે યોજાનાર ઈન્ડિયન ડેરી સમિટના મુખ્ય મહેમાન છે.