હાલનાં જીઆઈડીસી એકમોના અનેક પ્રશ્નો પડતર
અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા. 17 માર્ચ
હાલમાં ગુજરાતમાં વિધાનસભાનું સત્ર ચાલી રહ્યં છે ત્યારે પ્રધાનો અટપટા સવાલોમાંથી છૂટવા માટે જવાબ રજૂ કરે છે, પરંતુ અપાયેલા જવાબો પરિપૂર્ણ થશે કે કેમ એ મોટો સવાલ છે. ગઈકાલે વિધાનસભા ગૃહમાં ઉદ્યોગપ્રધાન બળવંતાસિંહ રાજપૂતે ઉદ્યોગ વિભાગની માગણીઓ પરના પ્રત્યુતરમાં રાજ્યમાં નવી 19 જીઆઈડીસી બનાવવાની જાહેરાત કરી હતી. જેની પાછળનો તર્ક ફક્ત હજ્જારો રોજગારીઓ ઊભી થશે તેવો આપવામાં આવ્યો હતો.
નોંધનીય છે કે હાલમાં ગુજરાતમાં કુલ 219 ઔદ્યોગિક સંકુલો (જીઆઈડીસી) આવેલી છે, તેમાં ગઈકાલે જાહેરાત કરાયેલ નવી 19 જીઆઈડીસી મળીને કુલ 238 થશે. જે આશ્ચર્ય પમાડે તેવી છે કારણકે આ જીઆઈડીસી ક્યારે અસ્તિત્વમાં આવશે એનું કોઈ આયોજન નથી.
હાલમાં ગુજરાતમાં એકપણ સ્યુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (એસટીપી) નથી. આ બાબતે વિવિધ સંગઠનો દ્વારા સરકારમાં વારંવાર રજૂઆત કરવામાં આવી હતી જે હજુ સુધી પડતર છે. જોકે, કૅમિકલ કંપનીઓવાળા સંકુલમાં ગુજરાત હાઈ કોર્ટના હુકમને પગલે સીઈટીપી પ્લાન્ટ અનેક જગ્યાએ છે. આ સિવાય પણ પ્લૉટની હરાજી, પાણીની ઉપલબ્ધિ સહિતના નાના- મોટા અનેક પ્રશ્નોની ફાઈલો ચાલ્યા જ કરે છે.
આ અંગે ગુજરાત ચેમ્બર અૉફ કૉમર્સના જીઆઈડીસીના ચૅરમૅન અને સાણંદ જીઆઈડીસીના પ્રમુખ અજિત શાહે જણાવ્યું હતું કે જીઆઈડીસીની જાહેરાત નાના-નાના ક્લસ્ટર આધારિત રિમોટ એરિયામાં છે. પહેલા નાના ગામડાઓમાં જીઆઈડીનો વિચાર હતો તે ભૂલાઈ ગયો હતો, પરંતુ હવે વાહનવ્યવહાર જેવી આંતરમાળખાકીય સવલતો ઊભી થતા સ્થાનિક નાના-મોટા વ્યવસાયો વિકસી શકશે. આમ સરકાર ક્લસ્ટર આધારિત સવલતો વિકસાવવા જઈ રહી છે એટલે આવી જાહેરાત થઈ હોવાનું માની શકાય.
તેમણે જણાવ્યું હતું કે જે ગામોની જાહેરાત કરવામાં આવી છે ત્યાં હાલમાં કોઈ પ્રકારની ઔદ્યોગિક પ્રવૃત્તિઓ નથી છતાં આ જાહેરાતથી શક્ય બનશે તેમ લાગે છે. રાધનપુર જીઆઈડીસીમાં છેલ્લા 20 વર્ષથી અવિકસિત છે. રિમોટ વિસ્તારોમાં ઉદ્યોગની જરૂર છે, પરંતુ સાથે સુવિધાઓ પૂરતી અપાશે તો જ અર્થ સરશે. જેમ કે રાધનપુરમાં આજે પણ પાણીનો પ્રશ્ન છે. પાણી પુરવઠો ઉદ્યોગનો પાયાનો પ્રશ્ન છે. ઉપરાત ઉપયોગ ન કર્યા હોય તેવા પ્લૉટ પાછા લઈ લેવા, પૅનલ્ટી લગાવવી જેવા પ્રશ્નોનું નિરાકરણ લાવવાની જરૂર છે. ફક્ત જાહેરાતો કરવાથી કે જમીન અને પાણી આપવાથી કામ નહીં ચાલે, પરંતુ આવશ્યકતાઓ પૂર્ણ થવાથી જ વિકસાવી શકાશે.
તેમણે જણાવ્યું હતું કે હારીજમાં મ્યુનિસિપાલીટીએ એસટીપી બનાવ્યો છે જ્યારે જીઆઈડીસી આ બાબતે આગળ વધી શકતી નથી. આ પ્લાન્ટની મદદથી કરોડો લિટર પાણીનો પુન:ઔદ્યોગિક વપરાશ કરી શકાશે અને સામે તાજા પાણીની માગ પણ ઘટશે. ગામડાઓમાં આવી જીઆઈડીસીની રચના કરીને મુકી દેવાથી કામ ચાલશે નહીં. ભલે નાના ગામડાઓમાં ઔદ્યોગિક પ્રવૃત્તિઓ ફૂલીફાલી નથી, પરંતુ કૃષિ આધારિત અને એન્જિનિયરિંગ ઉદ્યોગની જરૂરિયાત પહેલેથી ઊભી છે, એ તત્કાળ વિકસાવવા જોઈએ.
જીઆઈડીસીના નિયમો પણ બદલવાની જરૂર છે. નાના એસ્ટેટમાં પાણીના દર વર્ષે 10 ટકા વધારે તો તે શક્ય નથી કારણ કે ત્યાં પાંચ ટકા ભાવ પણ વધતા ન હોય. આમ પૉલિસી અલગ બનાવવી જોઈએ. સરકારી જાહેરાત અનુસાર અમદાવાદના ગાંગડ, રાજકોટના વિંછિયા અને છાપરા, અમરેલીના સાવરકુંડલા, ગીર સોમનાથના નવાબંદર, ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠાના થરાદ, વડગામ, લવાણા, ભીલડી અને પાલનપુર ખાતે નવી જીઆઈડીસી, પાટણમાં સિદ્ધપુર અને સાંતલપુર, ભરુચના આમોદ, મહેસાણામાં જોટાણા તથા નાની ભલુ, ગાંધીનગરમાં કડજોદરા ખાતે, છોટાઉદેપુરના લડોદ, ખેડા જિલ્લાના ઠાસરા અને નવસારીના વાંશી-બોરસી ખાતે નવી જીઆઈડીસીનું સરકારનું આયોજન છે.