ડી. કે.
મુંબઇ, તા. 17 માર્ચ
ક્રૂડતેલના વિકલ્પ રૂપે વિશ્વ બેટરી આધારિત વાહનો તરફ વળી રહ્યું છે ત્યારે આગામી દિવસોમાં બેટરી આધારિત વાહનોમાં પણ ચીનનો દબદબો વધાવાનાં સંકેત મળી રહ્યા છે. વર્ષ 2025 સુધીમાં વિશ્વમાં વેચાતા કુલ લિથિયમનો 33 ટકા જેટલો હિસ્સો ચીન પૂરો પાડશે એવું અનુમાન વ્યક્ત કરાયું છે. હાલમાં ચીન લિથિયમની કુલ વૈશ્વિક સપ્લાયમાં 24 ટકા જેટલો ફાળો આપે છે.
આમ તો અમેરિકા તથા યુરોપિયન દેશો પોતાના લિથિયમનાં પુરવઠાને વધારીને પોતાનું પ્રભુત્વ વધારવા પ્રયાસ કરી રહ્યા હોવા છતાં, ચીન પોતાનું સ્થાન મજબૂત કરશે એવા સંકેત મળી રહ્યા છે. હાલમાં ચીન લિથિયમ તથા કોબાલ્ટની સપ્લાયમાં સૌથી આગળ છે. આ બન્ને ધાતુઓ ઇલેક્ટ્રિક વાહનોનો મહત્વનો ભાગ ગણાય છે. હાલમાં ચીન જ નહીં આફ્રિકાનાં ઘણા વિસ્તારોમાં આવેલી લિથિયમની ખાણો ઉપર પણ ચીનનો માલિકી હક છે. પરિણામે 2022માં લિથિયમનો 194000 ટનનો હિસ્સો ઉપલબ્ધ થયો હતો જે 2025 સુધીમાં વધીને 705000 ટન થવાની શક્યતા છે. આ ઉપરાંત લેપિડોલાઇટનો પણ મોટાપાયે જથ્થો ઉપલબ્ધ થઇ રહ્યો છે. જેમાંથી 280000 ટન લિથીયમ મળવાની ધારણા છે. કદાચ આ હિસ્સો વિશ્વનાં લિથીયમનાં કુલ સપ્લાયનો 13 ટકા જેટલો હિસ્સો બની શકે છે. ગત વર્ષે લેપિડોલાઇટમાંથી ચીનને 88000 ટન લિથીયમ મળ્યું હવાના અહેવાલ છે. હાલમાં અમેરિકા, યુરોપ, જાપાન તથા દક્ષિણ કોરિયા જેવા દેશો ચીનથી સીધા કાર્ગો ઉઠાવવા ઉત્સુક હોય છે. અમેરિકા તથા યુરોપનાં દેશો પોતાની ચીન ઉપર રહેલી નિર્ભરતા ઘટાડવાનાં ઘણા પ્રયત્નો કરી રહ્યા છે પણ સફળતા મળવાની શક્યતાઓ ધૂંધળી છે.
યાદ રહે કે પૂર્વીય ચીનનું ઝિયાંગ્ઝી પ્રાંત એશિયાનું લિથિયમ કેપિટલ ગણાય છે કારણ કે આ વિસ્તારમાં લિથિયમનો વિપુલ ભંડાર છે. ગત મહિને ચીને આ વિસ્તારમાં ગેરકાયદે થતા ખનન ઉપર ચાંપતી નજર રાખવાનું શરૂ કર્યુ છે. આ ગેરકાયદે પ્રવ?ત્તિનાં કારણે તાજેતરમાં લિથિયમના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. પરંતુ હવે આગામી દિવસોમાં ગેરકાયદે કામ ઘટવાથી ભાવ વધવાની સંભાવના વ્યક્ત થઇ રહી છે. હાલમાં ચીનમાં લિથિયમની માગ ઓછી હોવાનાં કારણે સ્થાનિક લિથિયમ કાર્બોનેટ વેચનારાઓ નિકાસનામ બજારમાં માલ મોકલવા પ્રયાસ કરી રહ્યા છે.
લિથિયમ ઉપરાંત વૈશ્વિક બજારમાં કોબાલ્ટનાં પુરવઠામાં પણ ચીનનો હિસ્સો વધીને 50 ટકા જેટલો થવાનું અનુમાન મુકાયું છે. 2022 નાં છેલ્લા છ મહિનામાં ચીનાં કોબાલ્ટની માગમાં ઘટાડો જોવા મળ્યો હતો વળી ઉત્પાદન માગની સરખામણીઐ 23 ટકા જેટલું વધારે થયું હોવાથી ભાવને પણ અસર થઇ હતી. જે આગામી દિવસોમાં થોડા સ્થિર થવાની સંભાવના છે.