• રવિવાર, 26 માર્ચ, 2023

પીવીસી પાઈપ, ફિટિંગ્ઝનું ઉત્પાદન આવતા વર્ષે 13-15 ટકા વધશે : ક્રિસિલ  

પાઈપ્સની 70 ટકાથી વધુ માગ કૃષિ, પાણીપુરવઠા, સિંચાઈ અને ગટર ઉદ્યોગોમાંથી આવે છે 

નવી દિલ્હી, તા. 17 માર્ચ 

પોલીવિનાઇલ ક્લોરાઇડ (પીવીસી) પાઈપો અને ફિટિંગ્સ ઉત્પાદકો આવતા નાણાં વર્ષમાં 13-15 ટકાની વાર્ષિક વોલ્યુમ વૃદ્ધિ સાથે તેમની વૃદ્ધિની ગતિ જાળવી રાખવા માટે સજ્જ છે. આ વૃદ્ધિ પાણીપુરવઠા, સિંચાઈ, હાઉસિંગ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં સરકારી યોજનાઓ માટે ઉચ્ચ બજેટ ફાળવણી દ્વારા સંચાલિત છે, એમ રાટિંગ એજન્સી ક્રિસિલે જણાવ્યું હતું. 

વર્તમાન નાણાં વર્ષમાં પાઇપ ઉત્પાદકો 22-24 ટકાની વૃદ્ધિ નોંધાવશે, જે એક દાયકાની ટોચે હશે. છેલ્લાં ત્રણ વર્ષમાં લગભગ બે ટકાની સીએજીઆર વાર્ષિક વૃદ્ધિદર પછી દબાયેલી માગ નીકળવાને કારણે છે. 

ક્રિસિલ રાટિંગ્સે 18 પીવીસી પાઈપ્સ અને ફાટિંગ્સ ઉત્પાદકોનું વિશ્લેષણ કર્યું છે જે આ ક્ષેત્રના 45-50 ટકાનું પ્રતિનિધિત્વ કરે છે. 

આ ક્ષેત્રની કંપનીઓ માટે 70 ટકાથી વધુ માગ કૃષિ, પાણીપુરવઠા, સિંચાઈ અને ગટર વ્યવસ્થામાંથી આવે છે અને તે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સરકારી ભંડોળ પર આધાર રાખે છે. બાકીની માગ રહેણાંક પ્લમ્બિગ અને ઔદ્યોગિક ઍપ્લિકેશનની છે. ક્રિસિલ રાટિંગ્સના ડિરેક્ટર આનંદ કુલકર્ણીએ જણાવ્યું કે, આગામી નાણાકીય વર્ષમાં વોલ્યુમ વૃદ્ધિ બે ચાવીરૂપ માગને આધારે થશે. આમાં જલ જીવન મિશન (રૂા. 69,684 કરોડ, વાર્ષિક ધોરણે 27 ટકા વધુ) અને પ્રધાનમંત્રી આવાસ યોજના (રૂા. 79,000 કરોડ, 62 ટકા વધુ) જેવી સિંચાઈ અને આવાસ યોજનાઓ માટે કેન્દ્રીય બજેટમાં ઉચ્ચ મૂડી ફાળવણી તથા રેસિડેન્શિયલ રિઅલ એસ્ટેટ સેક્ટરમાંથી તંદુરસ્ત માગનો સમાવેશ છે.  

જોકે, આવકમાં સાધારણ 5-8 ટકાની વૃદ્ધિ જોવા મળી શકે છે. આ વર્ષમાં આવકમાં 8-10 ટકાની વૃદ્ધિ રહી છે. કાચા માલનો ખર્ચ વધવાથી અને સેન્ટિમેન્ટ નબળા રહેવાથી આવકમાં ઓછી વૃદ્ધિ થવાની ધારણા છે. રસપ્રદ વાત એ છે કે વૃદ્ધિના ચલકબળ નાણાં વર્ષ 2022થી વિપરીત રહ્યાં છે. કૃષિ અને સિંચાઈ જેવા ઉદ્યોગો દ્વારા ખરીદી સ્થગિત થવાથી વોલ્યુમ વૃદ્ધિ નીચી રહેવા છતાં પણ ઊંચા વળતરને કારણે લગભગ 30 ટકાની આવક વૃદ્ધિ જોવાઈ હતી. 

અહેવાલમાં જણાવ્યા મુજબ ચીનમાં કોવિડ પ્રતિબંધોને કારણે ભારતમાં પીવીસી રેઝિન્સનો ભરાવો થયો હોવાથી આ નાણાં વર્ષના પ્રથમ નવ મહિનામાં સરેરાશ લૅન્ડેડ પીવીસી રેઝિનના ભાવમાં આશરે 20 ટકા જેટલો ઘટાડો થયો હતો. પરિણામે કંપનીઓને માલમાં નોંધપાત્ર નુકસાન થયું હતું. પીવીસી રેઝિન કુલ ખર્ચમાં લગભગ ત્રણ-ચતુર્થાંશ હિસ્સો ધરાવે છે. 

તેથી, અૉપરાટિંગ માર્જિન આ નાણાં વર્ષમાં લગભગ 600 બેસિસ પોઈન્ટ્સ ઘટીને 9-10 ટકાના પાંચ વર્ષના નીચલા સ્તરે આવી શકે છે. ક્રિસિલના ડિરેક્ટર આદિત્ય ઝાવરે જણાવ્યું કે, પીવીસી રેઝિનના ભાવમાં અપેક્ષિત સ્થિરતાને પગલે આગામી વર્ષમાં માર્જિન સુધરીને 13-14 ટકા થવાનો અંદાજ છે.  

તેમણે કહ્યું કે, આ વર્ષે નફાક્ષમતા ઓછી હોવા છતાં ઓછા દેવા સાથે મજબૂત બેલેન્સશીટવાળા પીવીસી ઉત્પાદકોની ક્રેડિટ રિસ્ક પ્રોફાઇલ્સ તેમને ટેકો આપશે. મોટી કંપનીઓ આગામી વર્ષમાં વધતી જતી માગને પહોંચી વળવા વધુ મૂડી ખર્ચ કરી શકે છે, ત્યારે પર્યાપ્ત રોકડ પ્રવાહ વધુ દેવાની જરૂરિયાતને દૂર કરશે.