• રવિવાર, 26 માર્ચ, 2023

હોમલોનનો વૃદ્ધિદર ટકાવવા બૅન્કોએ વ્યાજદર ઘટાડયા

મુંબઈ, તા. 17 માર્ચ 

હોમલોનની માગ ધીમી પડી રહી છે, તેની ચિંતા બૅન્કોને થઈ છે. ઊંચા વ્યાજદરને કારણે ઘર ખરીદી માટેની લોનના લેવાલ ઘટ્યાં છે. ત્યારે નાણાં વર્ષ પૂરું થાય તે પહેલા ગ્રાહકોને આકર્ષવા માટે બૅન્કો અને ગૃહ ધિરાણ આપતી કંપનીઓ વિશેષ દર ઓફર કરી રહી છે.  

ઉ.દા. તરીકે સ્ટેટ બૅન્ક અૉફ ઇન્ડિયા (એસબીઆઈ)એ 750થી ઉપરનો ક્રેડિટ સ્કોર ધરાવતા ગ્રાહકો માટે 8.5 ટકાનો હોમલોન દર ઓફર કરે છે. તેવી જ રીતે હાઉસિંગ ડેવલપમેન્ટ ફાઈનાન્સ કૉર્પોરેશન (એચડીએફસી) 760થી વધુ ક્રેડિટ સ્કોર ધરાવતા ગ્રાહકોને 8.7 ટકા ઓફર કરે છે. ગયા સપ્તાહે બૅન્ક અૉફ બરોડાએ હોમલોનના દરોમાં 40 બેસિસ પોઈન્ટ્સનો ઘટાડો કરીને વ્યાજદર 8.5 ટકા કર્યા અને આ પ્રકારની લોન પરના પ્રોસાસિંગ ચાર્જને માફ કર્યા. બૅન્કરો અપેક્ષા રાખે છે કે નવા દરો વધતા વ્યાજદરના સંજોગોમાં વધતી સ્પર્ધા સાથે હોમલોનના વિકાસને વેગ આપશે.  

રિઝર્વ બૅન્કે મે, 2022થી વ્યાજદરોમાં 2.50 ટકાનો વધારો કર્યો છે. આ નામા વર્ષની શરૂઆતમાં હોમલોન લેનારાનો ધિરાણ ખર્ચ વધીને નવ ટકાનો થયા છે. જોકે લોનની વૃદ્ધિ પર ભંડોળના વધતા ખર્ચની અસર હજી સુધી અનુભવાઈ નથી. બૅન્કરોએ જણાવ્યું હતું કે વૃદ્ધિનો દર ધીમો પડ્યો છે.  એસબીઆઈના ડેપ્યુટી મૅનાજિંગ ડિરેક્ટર પ્રકાશચંદ્ર કંદપાલે જણાવ્યું કે, તહેવારોમાં હોમલોન માટેનો જે ધસારો હતો તે પ્રથમ 2-3 મહિનામાં ઓછો થાય છે. માર્ચમાં વૃદ્ધિ જોવા મળે છે. ઘણા લોકો ઘર ખરીદવા અથવા લોન લેવા અને આવકવેરામાં લાભ મેળવવા લોન લે છે. માર્ચમાં ડિસેમ્બર ત્રિમાસિકમાં 9-10 ટકાની વૃદ્ધિની ધારણા રાખી શકીએ છીએ.  

હાઉસિંગ ફાઇનાન્સ કંપનીના વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે, બજારમાં ઉત્સાહ ઓછો થયો છે. આ મંદીનો સંકેત નથી. જે વધારાની માગ હતી તે સામાન્ય થઈ ગઈ છે. ફ્લાટિંગ-રેટ લોન માટે વ્યાજદરમાં સમયાંતરે વધઘટ થશે. તેથી લોન લેતી વખતે વ્યાજદર કેટલા છે તે બહુ મહત્ત્વનું નથી. વ્યાજદરોને કારણે લાંબા ગાળાની માગ પર અસર નહીં થાય.  

તાજેતરના રિઝર્વ બૅન્કના ડેટામાં જણાવાયું હતું કે, એબ્સોલ્યુટ ટર્મમાં પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગ સહિતની મોર્ગેજ લોનમાં માસિક ધોરણે ઘટાડો થયો છે. જ્યારે વૃદ્ધિ દર જાન્યુઆરીના ઘટીને 15.4 ટકા થયો છે, જે ડિસેમ્બરમાં 16 ટકા હતો. એમ કે ગ્લોબલ ફાઇનાન્સિયલ સર્વિસીસે એક અહેવાલમાં જણાવ્યું હતું કે, વ્યાજદર અને મોર્ગેજ વૃદ્ધિ વચ્ચેનો સંબંધ અગાઉ બહુ મજબૂત નહોતો. તેમ છતાં, એન્ડ્રોમેડા (સૌથી મોટા ડાયરેક્ટ સાલિંગ એજન્ટ) સાથેની ચર્ચાને આધારે કહી શકાય કે મિલકતના વધતા ભાવ સાથેના દરમાં વધારો મોર્ગેજ વૃદ્ધિની ગતિ પર થોડી અસર કરશે, જે માર્ચ પછી વધુ દેખાશે. મેટ્રો અને મોટા શહેરોમાં કેટલીક મોટી રિયલ એસ્ટેટ કંપનીઓ ગ્રાહકો પરના વ્યાજના બોજને ઘટાડવા ઇન્ટરેસ્ટ સબવેન્શન ઓફર કરી રહ્યા છે, પરંતુ તે દર વધારાની અસરને સંપૂર્ણપણે સરભર કરવા માટે પૂરતું નથી.  

રિયલ એસ્ટેટ કંપનીઓના મતે હોમલોનની વૃદ્ધિ ઘટવાથી ચાર મહિનાના અંતરાલ પછી રિયલ એસ્ટેટની માગ પણ ઘટશે. તેથી સ્પષ્ટ ચિત્ર માર્ચ ત્રિમાસિક પછી જ જણાશે. રિયલ એસ્ટેટની કિંમતો પર દર વધારાની વાસ્તવિક અસર માત્ર 5-8 ટકા હોઈ શકે છે. કારણ કે ઇનપુટ કોસ્ટનો મોટાભાગનો વધારો ડેવલપર્સે વહન કર્યો છે. એનારોક ગ્રુપના ચૅરમૅન અનુજ પુરીએ જણાવ્યું કે, માગ ખૂબ મજબૂત છે, પણ માગ વૃદ્ધિ ઘટી રહી છે.