• રવિવાર, 26 માર્ચ, 2023

ઇક્વિટી ફંડોની મિલકતોમાં સ્થાનિક ફંડોનો હિસ્સો વધીને 51 ટકા  

સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડના પ્રવાહે શૅરબજારને વિદેશી આંચકા ખમવામાં મદદ કરી

મુંબઈ, તા. 17 માર્ચ 

વ્યવસ્થાપન હેઠળની કુલ અસ્કયામત (એયુએમ)માં સ્થાનિક ફંડ્સનો હિસ્સો ફેબ્રુઆરી, 2023માં 50.6 ટકાના વિક્રમી સ્તરે પહોંચ્યો છે, એવું એનએસડીએલના આંકડા દર્શાવે છે. પાંચ વર્ષ પહેલા તે એક તૃતિયાંશ જેટલો હતો. ઈક્વિટી ફંડ્સની સ્થિરતાએ સ્થાનિક ફંડ્સનો કુલ હિસ્સો વધારવામાં મદદ કરી છે અને તેમાં મ્યુચ્યુઅલ ફંડ્સ, વીમા કંપનીઓ, સ્થાનિક પેન્શન ફંડ્સ અને નાણાં સંસ્થાઓનો પણ સમાવેશ છે. ફેબ્રુઆરીના અંતે સ્થાનિક ફંડ્સની અસ્કયામત રૂા. 42.9 લાખ કરોડની હતી, જ્યારે એફપીઆઈની એયુએમ રૂા. 44.2 લાખ કરોડની હતી. 

સ્થાનિક ફંડ્સમાં સ્થિર તેજીને કારણે વૈશ્વિક બજારની વોલેટિલિટીની અસર હળવી થવામાં મદદ મળી છે. પરિણામે ભારતીય ઈક્વિટીસે વિક્સિત બજાર અને વિક્સિત બજારોની સરખામણીએ સારી કામગીરી કરી છે અને છેલ્લા 12 મહિનામાં અનુક્રમે છ ટકા અને ત્રણ ટકાની વૃદ્ધિ કરી છે.  

છેલ્લા 12 મહિનામાં કુલ રૂ. 1.2 લાખ કરોડના રોકાણને કારણે સ્થાનિક ઇક્વિટી એયુએમનો હિસ્સો લગભગ 810 બેસિસ પોઈન્ટ્સ વધ્યો છે, જ્યારે  વિદેશી રોકાણકારોએ રૂા. 85,218 કરોડનું રોકાણ પાછું ખેંચ્યું હતું.   

પાંચ વર્ષમાં સ્થાનિક ફંડ્સે ઈક્વિટીમાં લગભગ રૂા. ચાર લાખ કરોડનું રોકાણ કર્યું છે, જ્યારે વિદેશી રોકાણકારોએ રૂા. એક લાખ કરોડનું રોકાણ કર્યું છે. અૉગસ્ટ, 2022ને બાદ કરતાં છેલ્લા 24 મહિનામાં સ્થાનિક ફંડ્સ ચોખ્ખા ખરીદદાર રહ્યાં છે અને માસિક ધોરણે સરેરાશ રૂા. 14,220 કરોડનું રોકાણ કર્યું છે. ફેબ્રુઆરીમાં સિસ્ટમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન (એસઆઈપી) મારફતે રૂા. 13,686 કરોડના રોકાણ સાથે ઈક્વિટી, હાઈબ્રિડ અને સોલ્યુશન ઓરિએન્ટેડ સ્કિમ્સમાં ફેબ્રુઆરીમાં રોકાણ રૂા. 20.3 લાખ કરોડનું નોંધાયું હતું.