• રવિવાર, 26 માર્ચ, 2023

તોફાની વધઘટ બાદ સૂચકાંકો વધ્યા  

ઐમિડકૅપ, સ્મૉલકૅપ શૅર્સમાં માફક ખરીદી

વ્યાપાર ટીમ

મુંબઈ, તા. 17 માર્ચ

દિવસભરની ચડઉતર બાદ શુક્રવારે શૅરબજાર છેલ્લે સુધર્યું હતું. આજે સતત બીજા સત્રમાં બજાર સકારાત્મક બંધ રહ્યું હતું.  બીએસઈ સેન્સેક્ષ 355.06 પૉઇન્ટ્સ (0.62 ટકા) વધીને 57,989.90 પૉઇન્ટ્સ ઉપર જ્યારે એનએસઈ નિફ્ટી 114.45 પૉઇન્ટ્સ (0.67 ટકા) વધીને 17,100.05 પૉઇન્ટ્સ ઉપર બંધ રહ્યો હતો.

વૈશ્વિક બજારોના મજબૂત વલણને પગલે મેટલ, બૅન્કિંગ અને ફાઇનાન્સિયલ શૅર્સમાં મજબૂત લેવાલી નીકળી હતી. આ ઉપરાંત રૂપિયાની મજબૂતી અને આંતરરાષ્ટ્રીય ક્રૂડતેલના ભાવમાં નરમાઈથી બજારનું સેન્ટિમેન્ટ એકંદરે સકારાત્મક થયું હતું. બીએસઈ સેન્સેક્ષમાં એચસીએલ ટેકનો 3.58 ટકાના વધારા સાથે સૌથી અધિક વધ્યો હતો. ત્યાર બાદ અલ્ટ્રાટેક સિમેન્ટ, નેસ્લે ઇન્ડિયા, તાતા સ્ટીલ, કોટક બૅન્ક, આઈસીઆઈસીઆઈ બૅન્ક, ભારતી ઍરટેલ અને એચડીએફસી ટ્વીન્સના શૅર્સ પણ વધ્યા હતા.

જ્યારે બીજી તરફ આઈટીસી, મારુતિ, એનટીપીસી, એશિયન પેઇન્ટ્સ અને સન ફાર્માના શૅરના ભાવ 1.51 ટકા જેટલા ઘટયા હતા. બૃહદ બજારમાં મિડકૅપ ઇન્ડેક્સ 0.29 ટકા અને સ્મૉલકૅપ ઇન્ડેક્સ 0.69 ટકા વધ્યો હતો.

બજારમાં ચંચળતા હોવા છતાં તે સકારાત્મક રીતે આગળ વધતું હતું અને રોકાણકારોની પસંદગીની ખરીદી ચાલુ હતી. યુરોપિયન અને એશિયન બજારોમાં નોંધપાત્ર સુધારો હતો જેના કારણે ભારતીય બજારોમાં પણ પ્રોત્સાહક વાતાવરણ હતું. શાંઘાઈ, ટોકિયો, સિઓલ અને હૉંગકૉંગનાં બજારો વધ્યાં હતાં. યુરોપિયન બજારો ખરીદી સાથે શરૂ થયાં હતાં. ગુરુવારે અમેરિકન બજારો સુધરીને બંધ રહ્યાં હતાં. આંતરરાષ્ટ્રીય ક્રૂડતેલના ભાવ 1.16 ટકા વધીને પ્રતિ બેરલ 75.57 ડૉલર રનિંગ હતા. રૂપિયાનું મૂલ્ય 18 પૈસા વધીને પ્રતિ ડૉલર 82.58 થયું હતું.ક્રેડિટ સુઇસની કટોકટીની ભારતીય બૅન્કિંગ સિસ્ટમ પર કોઈ અસર થઈ નથી. કારણ કે ભારતમાં તેની હાજરી નગણ્ય છે, એમ નિષ્ણાતોનું માનવું છે. જોકે, જેફરીઝ ઇન્ડિયાએ તેના એક અહેવાલમાં જણાવ્યું હતું કે સિલિકોન વેલી બૅન્ક (એસવીબી) કરતાં ક્રેડિટ સુઇસની ભારત પર વિશેષ અસર થઈ શકે છે, અલબત્ત તેનું ભારતમાં મર્યાદિત કામકાજ છે.

ગુરુવારે એફઆઈઆઈએ રૂા. 282.06 કરોડના શૅર વેચ્યા હતા, એમ એક્સ્ચેંજના અહેવાલમાં જણાવાયું હતું.