ગાર્મેન્ટની નિકાસમાં ધીમો પણ મકક્મ વધારો થઈ રહ્યો છે : પીયૂષ ગોયલ
એજન્સીસ
નવી દિલ્હી, તા. 17 માર્ચ
દેશનાં સાત રાજ્યોમાં મેગા ટેક્સ્ટાઈલ પાર્કનું નિર્માણ કરવાની ઘોષણા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કરી હતી. પીએમ મિત્રા મેગા ટેક્સ્ટાઈલ પાર્ક તરીકે આ પાર્ક ઓળખાશે અને તે ગુજરાત, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, તામિલનાડુ, તેલંગણા અને કર્ણાટકમાં સાકાર થશે, એમ વડા પ્રધાને જણાવ્યું હતું.
પીએમ મેગા ટેક્સ્ટાઈલ પાર્કની રચના થયા બાદ ટેક્સ્ટાઈલ ક્ષેત્ર માટે અત્યાધુનિક માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ થશે અને તે સાથે કરોડો રૂપિયાનું રોકાણ આવશે, તે કારણે રોજગારની નવી માતબર તકો પણ ઉપલબ્ધ થશે, એમ વડા પ્રધાને ટ્વીટ કરી જણાવ્યું હતું. પીએમ મેગા ટેક્સ્ટાઈલ પાર્ક મેક ઈન ઈન્ડિયા અને મેક ફોર વર્લ્ડનું શ્રેષ્ઠ ઉદાહરણ બનશે, એમ વડા પ્રધાને ઉમેર્યું હતું.
પીએમ મેગા ટેક્સ્ટાઈલ પાર્કથી ટેક્સ્ટાઈલ ક્ષેત્રને પાંચ એફમાં લાભ મળશે, તેમાં ફાર્મ ટુ ફાઈબર ટુ ફૅક્ટરી ટુ ફૅશન ટુ ફોરેનનો સમાવેશ થાય છે, એમ વડા પ્રધાને જણાવ્યું હતું.
દરમિયાન, તમામ કાપડનાં તૈયાર વત્રોની નિકાસ જાન્યુઆરીમાં 3.5 ટકા ઘટી 1.5 અબજ યુએસ ડૉલરની થઈ હતી. આમ છતાં આ નાણાકીય વર્ષના એપ્રિલ-જાન્યુઆરી દરમિયાન તે 5.22 ટકા વધી 13.4 અબજ યુએસ ડૉલરની થઈ છે.
કેન્દ્રીય ટેક્સટાઇલ પ્રધાન પીયૂષ ગોયલે જણાવ્યું હતું કે એક્સપોર્ટ પ્રોમોશન કાઉન્સિલના જણાવ્યા પ્રમાણે હવે માલભરાવો ઘટી ગયો છે. અર્થતંત્રની ગાડી પાટે ચડી છે. નિકાસમાં ધીમો વધારો શરૂ થઈ ગયો છે.
આ નાણાકીય વર્ષના એપ્રિલ-જાન્યુઆરી દરમિયાન કોટન યાર્ન, કાપડ, મેઇડ અપ્સ અને હેન્ડલૂમ પ્રોડક્ટસની નિકાસ 28.7 ટકા ઘટી 9 અબજ યુએસ ડૉલરની થઈ છે.
બાંગ્લાદેશ અવિકસિત દેશ હોવાથી તેના માલોને વિકસિત દેશોમાં કસ્ટમ્સ ડયૂટીમાં રાહત મળે છે જે ભારતને હાલ મળતું નથી. આમ છતાં ભારત હવે વિવિધ દેશો જોડે મુક્ત વેપાર કરાર (એફટીએ) કે તેની વાટાઘાટો કરી રહ્યું હોવાથી ભારતને પણ ડયૂટી કન્સેશન મળવાની શક્યતા છે. આથી 1 એપ્રિલથી નિકાસ વેગ પકડે તેવી શક્યતા છે, એમ કેન્દ્રીય ટેક્સટાઇલ્સ પ્રધાન પીયૂષ ગોયલે જણાવ્યું હતું.
છેલ્લા એક વર્ષથી ચાલતા રશિયા-યુક્રેન યુદ્ધના પરિણામે ઘણા દેશોને વિદેશી હૂંડિયામણની તંગી જેવી સમસ્યા સતાવી રહી હતી. આથી ઘણા દેશોએ બિનઆવશ્યક આયાત ઘટાડી દીધી હતી. 100 કન્ટેઇનરોનું ભારતીય કન્સાઇનમેન્ટ ઇજિપ્તથી પાછું ફર્યું હતું, કારણ કે આફ્રિકન દેશો પાસે તેની ચુકવણી માટે વિદેશી હૂંડિયામણ નહોતું.
કોરોના મહામારી બાદ ટેક્સટાઇલ્સ અને જર-ઝવેરાત જેવાં ઉત્પાદનોની માગ ઘણી નીકળી હતી. ત્યારે લોકોએ મોટો જથ્થો ખરીદી લીધો હોવાથી બાદમાં માગ ઘટી હતી.
રશિયા-યુક્રેન યુદ્ધ લંબાતાં ફુગાવો ઘણો વધ્યો હતો. આથી અર્થતંત્રમાં તણાવ વધ્યો હતો. આથી માલનો ભરાવો થયો હતો અને લોકોએ નવી ખરીદી ઓછી કરી નાખી હતી.
કોટન અને યાર્ન નિકાસ અંગે તેમણે જણાવ્યું હતું કે ગત વર્ષે ફુગાવાના કારણે આઉટબાઉન્ડ શિપમેન્ટ સર્વોચ્ચ સપાટીએ હતા. આ વર્ષે આંતરરાષ્ટ્રીય સમસ્યાઓના કારણે ભાવ વધુ દબાયેલા છે. આથી કોટન અને યાર્નની નિકાસ ઘટી છે.