• બુધવાર, 17 એપ્રિલ, 2024

સોયાબીનના ભાવ ઘટાડા તરફી રહેશે : અમેરિકા, બ્રાઝિલમાં મોસમી વરસાદ 

ગુજરાતમાં વાવેતર 2.22 લાખ હેકટરથી વધીને 2.66 લાખ હેકટર થયું હતું

ઇબ્રાહિમ પટેલ 

મુંબઈ, તા. 27 અૉક્ટો. 

દક્ષિણ અમેરિકા અને અમેરિકન વાવેતર વિસ્તારમાં માફક્સરનો વરસાદ પડતાં અમેરિકન સોયાબીન કોમ્પ્લેક્સમાં નરમાઈ જોવા મળી રહી છે. બ્રાઝિલ અને આર્જેન્ટિનામાં પણ હળવા વરસાદે વાવેતરના સંયોગો ઉજળા કર્યા છે. અમેરિકામાં મોસમી લણણીની મોસમમાં સોયાબિનની તેજી દબાણમાં રહેશે. મકાઇ અને સોયાબીનના ભાવ ટૂંકાગાળા માટે ઘટાડા તરફી રહેશે. છેલ્લા એક મહિનામાં સોયાબીન હાજર વાયદો એક ટકો ઘટ્યો છે. શિકાગો નવેમ્બર વાયદો શુક્રવારે ઘટીને 12.77 ડોલર પ્રતિ બુશેલ (27.218 કિલો) થયા પછી વધીને 12.84 ડોલર થયો હતો. 

સપ્ટેમ્બરની તુલનાએ એકર દીઠ અમેરિકન યીલ્ડ 0.5 બુશેલ ઘટીને 49.6 બુશેલ અંદાજાયું છે, પરિણામે અમેરિકન સોયાબીન ઉત્પાદન, સપ્ટેમ્બર આગાહી કરતાં 420 લાખ બુશેલ ઘટીને 4.1 અબજ બુશેલ થવાની આગાહી છે. ઉત્પાદન ઓછું આવશે, પણ વર્ષારંભે ખૂલતો સ્ટોક આ ઘટને કઇંક અંશે સરભર કરી નાખશે, કૂલ સપ્લાયમાં માત્ર 240 લાખ બુશેલ ઘટ રહેશે. ગત સપ્તાહના અંત સુધીમાં 2023-24નું બ્રાઝિલિયન વાવેતર નિર્ધારિત જમીનના 30 ટકા થઈ ગયું હતું, જે વર્ષાનું વર્ષ 13 ટકા વધુ હતું. 2023-24નો સોયાબીન પાક ગતવર્ષ કરતાં 4.8 ટકા વધીને 59.53 અબજ બુશેલ અંદાજવામાં આવ્યો છે. 

એનાલીસ્ટોના સર્વેને આધારે કહીએ તો 2023-23નું ભારતીય સોયાબીન ઉત્પાદન, ગતવર્ષના 131 લાખ ટનથી ઘટીને 121 લાખ ટન અંદાજિત છે. ગુજરાતમાં સોયાબીનનું વાવેતર, ગતવર્ષના 2.22 લાખ હેકટરથી વધીને 2.66 લાખ હેકટરમાં થયું હતું. ગુજરાતના ખેડૂતોએ એક તરફ ઉત્પાદન ખર્ચ ઘટાડો કર્યો અને બીજી તરફ સારી માવજત કરીને વ્યાવસાયિક ધોરણે ઊપજ લીધી હતી. સોયાબીન પ્રોસેસર્સ એસોસિયેશનના સપ્ટેમ્બર ડેટા કહે છે કે 2022-23નો ભારતનો વર્ષાન્ત સ્ટોક ગતવર્ષની તુલનાએ 1.80 લાખ ટન વધીને 25.1 લાખ ટન રહેશે. 

બ્રાઝિલિયની ખાનગી એજન્સી સ્તોનેકસના અનુમાન મુજબ નવા પાકનો 25 ટકા માલ ફોરવર્ડ સોદામાં વેચી નાખ્યો છે. વાવેતરના આ સમયમાં બ્રાઝિલે તેનો પાંચ વર્ષનો સરેરાશ ઊભો પાક 17 ટકા હાજિંગ વેચાણ કર્યો હતો. નેશનલ સપ્લાય કંપની કોનાબના અનુમાન મુજબ 2023-24ની મોસમમાં મકાઈની જમીન કાપીને સોયાબિનને વધુ જમીન ફાળવશે. 

ગત મહિનાની તુલનાએ અમેરિકા અને બ્રાઝિલમાં સોયાબીનના ભાવમાં પીછેહઠ થતાં, આંતરરાષ્ટ્રીય બજારમાં સરેરાશ ભાવ બે ટકા ઘટ્યાનું ઇન્ટરનેશનલ ગ્રેન કાઉન્સિલે તેના 19 ઓક્ટોબરના સોયાબીન માર્કેટ પરફોર્મન્સ અહેવાલમાં કહ્યું હતું. યુનાઇટેડ નેશન્સના ફૂડ એન્ડ એગ્રિકલ્ચર ઓર્ગેનાઇઝેશનએ કહ્યું હતું કે ઓગસ્ટની તુલનાએ સપ્ટેમ્બરમાં સતત બીજા મહિને ખધયતેલના જાગતિક સરેરાશ ભાવ 3.9 ટકા ઘટયા હતા. ફાઓએ તેના 6 ઓકટોબર અહેવાલમાં કહ્યું હતું કે પામ ઓઇલ, સનફ્લાવર, સોયા અને રેપસીડ ઓઇલના વૈશ્વિક ભાવ નીચે જવા ગતિ કરી રહ્યા છે.   

ચીન સોયાબિનન ઉત્પાદન ક્ષેત્રે સ્વનિર્ભરતા તરફ અગ્રેસર છે ત્યારે વૈશ્વિક કૃષિ પુરવઠામાં પરિવર્તન આવવાની શક્યતા વધી ગઈ છે. ચીનની હકારત્મક વાવેતર સ્થિતિ અને જીનેટિકલ મોડીફાઇડ પાક લેવાની ઉત્કંઠા, વૈશ્વિક સોયાબીન પુરવઠા સામે નકારાત્મક પડકારો ઊભા કરશે. ચીન અત્યારે તેની કૂલ જરૂરિયાતના 75 ટકા સોયાબીન અમેરિકા અને બ્રાઝિલથી આયાત કરે છે. 10 ઓક્ટોબરે પૂરા થયેલા સપ્તાહમાં ચીનએ 24.6 લાખ ટન સોયાબીન આયાત કર્યા હતા, જે અગાઉના સપ્તાહના 20.4 લાખ ટન કરતાં વધુ હતા. આ ગાળામાં ચીનએ અમેરિકાથી ગતવર્ષની તુલનાએ 39 ટકા વધુ સોયાબીન ખરીધયા હતા.

No articles found for this category. આ વિષય પર કોઈ લેખો મળ્યા નથી.