• બુધવાર, 17 એપ્રિલ, 2024

કૃષિ, શિક્ષણ અને આરોગ્યનાં ક્ષેત્રોમાં ટેક્નૉલૉજીની ભૂમિકા મહત્ત્વની રહેશે : વડા પ્રધાન  

પીટીઆઈ

નવી દિલ્હી, તા. 29 માર્ચ

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે જણાવ્યું હતું કે કૃષિ, શિક્ષણ અને આરોગ્ય ત્રણ ક્ષેત્રોમાં ટેક્નૉલૉજી ઘણો મહત્ત્વનો અને મોટો ભાગ ભજવી શકે છે. ત્યાર બાદ તેમણે ક્ષેત્રમાં સરકાર જે પ્રયત્ન કરી રહી છે તેના વિષે જણાવ્યું હતું. વડા પ્રધાને માઇક્રોસોફ્ટના સહસ્થાપક અને સમાજસેવક બીલ ગેટ્સ સાથેની મુલાકાત દરમિયાન જણાવ્યું હતું કે દુનિયામાં ડિજિટલ વિભાજન જોવા મળી રહ્યું છે પરંતુ તેઓ ભારતમાં તેવું થવા દેશે નહીં. તેમણે જણાવ્યું હતું કે દેશમાં વૈજ્ઞાનિકોને ઓછામાં ઓછા ખર્ચે સર્વિકલ કૅન્સરની વેક્સિન વિકસાવવા માટે ફંડ ફાળવવામાં આવશે. ઉપરાંત તેમની સરકાર ખાસ કરીને દરેક કન્યાઓનું વેક્સિનેશન થાય તેની ખાતરી કરશે.

વડા પ્રધાને એવો વિશ્વાસ દર્શાવ્યો છે કે આગામી સામાન્ય ચૂંટણીઓ પછી તેઓ ત્રીજી વાર સત્તા પર આવશે.દેશમાં ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જરૂરી હોવાનું તેમણે ઉમેર્યું હતું જ્યારે ગેટ્સે જણાવ્યું હતું કે ભારત તે માર્ગ પર દૃઢતાથી આગળ વધી રહ્યું છે. પર્યાવરણના પરિવર્તન વિશે બોલતાં મોદીએ જણાવ્યું હતું કે રાષ્ટ્રોએ તેમના વીજળી અને સ્ટીલના વપરાશના માપદંડો બદલવા જોઈએ કારણ કે તે બધું પર્યાવરણ માટે નુકસાનકારક છે. તેના બદલે વિશ્વભરમાં ગ્રીન જીડીપી અને ગ્રીન રોજગારી જેવી નવી ટર્મિનૉલૉજી અપનાવવી જોઈએ.

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ)ના મુદ્દે ચર્ચા કરતાં મોદીએ જણાવ્યું હતું કે તેને કોઈ ચમત્કારિક સાધન તરીકે જોવું જોઈએ નહીં અથવા તો લોકોને કોઈ કામ કરવાની આળસ થાય તેના ઉપાય તરીકે જોવું જોઇએ નહીં. મોદીએ ધ્યાન દોર્યું હતું કે જી-20 સંમેલનમાં વિવિધ ભાષણોનાં ભાષાંતર માટે તેમણે એઆઈનો ઉપયોગ કર્યો હતો. ઉપરાંત જુદાજુદા પ્રસંગોએ તેમણે એઆઈની મદદથી વિવિધ ભાષાઓમાં સંબોધન કર્યાં હતાં. ચેટ જીપીટી જેવી એક ટેક્નૉલૉજીનો ઉપયોગ કરીને સ્વયં સુધારણા કરી શકાય.

એઆઈની ઉપયોગિતા દર્શાવવા માટે મોદીએ ગેટ્સને તેના મોબાઇલના નમો ઍપ દ્વારા એક સેલ્ફી લેવાનું જણાવ્યું અને ત્યાર બાદ ગેટ્સને દર્શાવ્યું કે ચહેરો ઓળખવાની ટેક્નૉલૉજી દ્વારા તેને કઈ રીતે લોકેટ કરી શકાય. મોદીએ જણાવ્યું હતું કે તેઓ ટેક્નૉલૉજીના લોકશાહીકરણમાં માને છે કારણ કે તે દરેક વ્યક્તિને સમાન તક આપે છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે તેઓ ગ્રામીણ વિસ્તારોમાં ટેક્નૉલૉજીને લઈ જશે.

મોદીએ ગેટ્સના એક પ્રશ્નનો જવાબ આપતાં સમજાવ્યું હતું કે તેઓને ટેક્નૉલૉજીનું આકર્ષણ છે પરંતુ તેના ગુલામ નથી. ભલે હું ટેક્નૉલૉજીનો નિષ્ણાત નથી પરંતુ મારી અંદર તેના માટે એક બાળક જેવી ઉત્સુકતા છે. ભારતમાં ડિજિટલ ક્રાંતિ વિષે બોલતાં મોદીએ જણાવ્યું હતું કે કોઈ પણ વ્યક્તિ કે કંપનીની તેમાં મોનોપોલી હોવી જોઈએ. સામાન્ય લોકો પણ તે ચલાવી શકે તેવી વ્યવસ્થા હોવી જોઇએ. ગ્રામ્ય ક્ષેત્રમાં મહિલાઓને `ડ્રોન દીદી' કાર્યક્રમ દ્વારા કૃષિ ક્ષેત્રમાં ડ્રોનના વિવિધ ઉપયોગો તેમ દૂરસુદૂર વિસ્તારના દર્દીઓને ડ્રોન દ્વારા કઈ રીતે મદદ કરવી તે તમામ બાબતો સમજાવવામાં આવે છે. ઉપરાંત શિક્ષણક્ષેત્રમાં શિક્ષકોની ખામી પૂરવા માટે ટેક્નૉલૉજીનો ઉપયોગ કરવામાં આવે છે.

વધુમાં મોદીએ જણાવ્યું હતું કે ચોથી ઔદ્યોગિક ક્રાંતિમાં ડિજિટલ ટેક્નૉલૉજીનો મોટો રોલ હશે અને ભારત તે કરી શકશે. 

No articles found for this category. આ વિષય પર કોઈ લેખો મળ્યા નથી.