એજન્સીસ
મુંબઈ, તા. 6 જૂન
7 જુલાઈ, 2023થી અમલમાં આવે તે રીતે નેશનલ સ્ટૉક એક્સચેન્જે બૅન્ક નિફ્ટીના ફ્યુચર ઍન્ડ ઓપ્શન્સ (એફ ઍન્ડ ઓ)ની એક્સપાઇરીનો દિવસ ગુરુવારના સ્થાને શુક્રવાર નક્કી કર્યો છે. આ પરિવર્તન 7 જુલાઈ 2023થી લાગુ થશે. ગુરુવારે એક્સપાયર થતાં તમામ કૉન્ટ્રાક્ટ 6 જુલાઈ, 2023ના રોજ દિવસના અંતે શુક્રવારમાં રિવાઇઝ્ડ થઈ જશે. ત્યાર બાદ 7 જુલાઈ શુક્રવારથી શરૂ થતાં બૅન્ક નિફ્ટીના તમામ કૉન્ટ્રાક્ટની ફર્સ્ટ ફ્રાઇડે એક્સપાયરી 14 જુલાઈ 2023ના રોજ થશે, એમ એનએસઈના એક સર્ક્યુલરમાં જણાવવામાં આવ્યું હતું.
આ પરિવર્તન બાદ હવે 9 જુલાઈથી શરૂ થતાં સપ્તાહમાં સોમવારને બાદ કરતાં પ્રત્યેક દિવસે એનએસઈની એફ ઍન્ડ ઓમાં એક્સપાઇરી રહેશે. નિફ્ટી ફાઇનાન્સિયલની એક્સપાઇરી મંગળવારે, નિફ્ટી મિડકેપ સિલેક્ટની એક્સપાઇરી બુધવારે અને બૅન્ક નિફ્ટીની એક્સપાઇરી શુક્રવારે થશે.
નિફ્ટી ફાઇનાન્શિયલની શરૂઆતમાં ગુરુવારે એક્સપાઇરી હતી, પરંતુ ત્યાર બાદ તેને મંગળવારે ફેરવવામાં આવી હતી, કારણ કે ગુરુવારે ત્રણ કૉન્ટ્રાક્ટની એક્ષપાઇરી એક સાથે આવતી હતી તેના કારણે ખેલાડીઓનું રોકાણ વહેંચાઈ જતું હતું. એકવાર નિફ્ટી ફાઇનાન્સિયલને ગુરુવારથી મંગળવારમાં ફેરવવામાં આવી ત્યાર બાદ તેનું વોલ્યુમ વધ્યું હતું.
બીએસઈ પર અસર
હકીકતમાં બીએસઈએ તાજેતરમાં જ તેના સેન્સેક્ષ અને બૅન્કેક્ષના વીકલી ઓપ્શન પ્રોગ્રામ બજારમાં મૂક્યા તેમાં શુક્રવારે એક્સપાઇરી થાય છે. બીએસઈએ તેના કૉન્ટ્રાક્ટનું એનએસઈ સાથે સંઘર્ષ ન થાય તે માટે શુક્રવારે એક્સપાઇરી રાખી હતી પરંતુ હવે એનએસઈએ તેના બૅન્ક નિફ્ટીના વીકલી કૉન્ટ્રાક્ટની એક્સપાઇરી ગુરુવારને બદલે શુક્રવાર કરી દેતા બીએસઈના કામકાજને ફટકો પડશે.
બીએસઈના એફ ઍન્ડ ઓના કૉન્ટ્રાક્ટ શુક્રવારે એક્સપાયર થાય છે તેના નીચા ચાર્જને કારણે તે ઘણા લોકપ્રિય બન્યા છે. બીએસઈની હરીફાઈનો સામનો કરવા માટે એનએસઈએ એક્સપાઇરીનો દિવસ શુક્રવારનો કર્યો હોવાનું સ્વસ્તિક ઇનવેસ્ટમેન્ટના સંતોષ મીનાએ જણાવ્યું હતું.