ડી. કે.
મુંબઈ, તા. 6 જૂન
કર્ણાટક વિધાનસભાની ચૂંટણીઓમાં મોંઘવારીના મુદ્દે સરકાર ગુમાવ્યા બાદ એકતરફ કેન્દ્ર સરકાર ખાદ્યતેલોના ઉત્પાદકોને રિટેલના ભાવ ઘટાડવા દબાણ કરી રહી છે તો બીજીતરફ ખેડૂતોને રાજી રાખવા આગામી સિઝન માટે વિવિધ ખરીફ પાકોના ટેકાના ભાવમાં ત્રણથી આઠ ટકાનો વધારો કરવાની વેતરણમાં હોવાનું સરકારી સૂત્રો તરફથી જાણવા મળે છે. જો આ દરખાસ્ત ઉપર અંતિમ મહોર લાગે તો ખરીફ સિઝનના કઠોળના ટેકાના ભાવમાં છથી આઠ ટકાનો વધારો થઇ શકે છે.
મળતા અહેવાલો પ્રમાણે 2023-24ની ખરીફ સિઝન માટે એ ગ્રેડના ચોખાના ટેકાના ભાવમાં ત્રણથી સાત ટકાનો વધારો કરીને તે ક્વિન્ટલ દિઠ 2100થી 2200 રૂપિયા થઇ શકે છે. આ જ રીતે મકાઇના ટેકાના ભાવ હાલમાં ક્વિન્ટલ દીઠ 1962 રૂપિયા હતા તે હવે વધીને 2050થી 2100 રૂપિયા થઇ શકે છે.
આ ઉપરાંત દેશને કઠોળનો પુરતો પુરવઠો મળી રહે તથા આયાત ઉપર મદાર ઓછો રાખવો પડે તે ગણતરી સાથે સરકાર ખેડૂતોને કઠોળનાં વાવેતર માટે ઉત્સાહિત કરવા કઠોળનાં ટેકાનાં ભાવમાં છથી આઠ ટકાનો વધારો કરે તેવી સંભાવના છે. જો આ અનુમાન સાચું પડે તો તુવેર તથા અડદના ટેકાના ભાવ ક્વિન્ટલ દીઠ 7000 રૂપિયા થઇ શકે છે. જે હાલમાં 6600 રૂપિયાની સપાટીએ છે. જ્યારે મગનાં ટેકાનાં ભાવ જે હાલમાં ક્વિન્ટલ દિઠ 7755 રૂપિયા છે તે હવે વધીને 8450 રૂપિયા થઇ શકે છે. આંકડા બોલે છે કે ગત જાન્યુઆરી-23થી દેશમાં કઠોળનાં ભાવ વધ્યા છે કારણ કે તાજેતરનાં માવઠાંના કારણે કઠોળને નુકસાન થયું હોવાના અને પાકના ઉતારા ઘટ્યા હોવાના અહેવાલો પ્રકાશિત થયા હતા. બીજીતરફ કઠોળના ભાવ વધ્યા હોવાથી સારા વળતરની આશાઐ આગામી સિઝનમાં ખેડૂતો કઠોળનાં વાવેતરમાં વધારો કરે તેવી પણ શક્યતા છે.
સમર્થન મૂલ્ય અર્થાત્ ટેકાના ભાવની ઓફર એ સરકાર દ્વારા ખેડૂતોને તેમની કૃષિ નિપજ માટે કરાયેલી મહેનત વિફળ ન જાય અને તેમનો ખર્ચ નીકળી જાય તે માટે નક્કી કરવામાં આવેલા ભાવની વ્યવસ્થા છે. જો જે તે કોમોડિટીના ભાવ ખુલ્લા બજારમાં બહુ નીચા જાય તો ખેડૂતો સરકારે નક્કી કરેલા ટેકાના ભાવે સરકારી એજન્સીઓને માલ આપી શકે તે માટેની આ વ્યવસ્થા છે. આ વખતે તુવેરનાં ભાવ ક્વિન્ટલ દીઠ 10000 રૂપિયા સુધી ગયા હોવાથી આગામી સિઝનમાં તુવેરનું વાવેતર વધી શકે છે.
ખરીફ સિઝનના પાકના ટેકાના ભાવમાં વધારો કરવાની જાહેરાત સામાન્ય રીતે ચોમાસું શરૂ થાય તે પહેલા એટલે કે 10થી 20 જૂનની આસપાસ કરવામાં આવતી હોય છે. જે અંગેનો અંતિમ નિર્ણય આર્થિક બાબતોની કેબિનેટ સમિતિ કરે છે.