• ગુરુવાર, 29 ફેબ્રુઆરી, 2024

રાજ્યમાં ચાર ડ્રીમ પ્રોજેક્ટ પૂર્ણતાના આરે 

વડા પ્રધાનના હસ્તે ડિસેમ્બર સુધીમાં ખુલ્લા મુકાવાની શક્યતા 

અમારા પ્રતિનિધિ તરફથી  

અમદાવાદ, તા. 28 નવે.

રાજ્યના ચાર મોટાં અને મુખ્ય પ્રોજેક્ટ પૂર્ણ થવાના આરે છે ડિસેમ્બરના અંત સુધીમાં તેનું લોકાર્પણ થવાની શક્યતા છે. દ્વારકાનો સિગ્નેચર બ્રિજ, સુરત ડાયમંડ બુર્સ, સાબરમતી મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબ અને રાજકોટ એઇમ્સનો સમાવેશ આ ચાર પ્રોજેક્ટમાં થાય છે. ચારેય પ્રોજેક્ટ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ખુલ્લા મૂકવામાં આવે તેવી સંભાવના છે તેમ રાજ્ય સરકારના એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતુ.  

2024ના પ્રથમ ચરણમાં લોકસભાની ચૂંટણી યોજાવા જઇ રહી છે ત્યારે રાજ્ય સરકાર હાથમાં લીધેલા પ્રોજેક્ટોને પૂર્ણ કરવા માટે કમર કસી રહી છે. ચારેય ડ્રીમ પ્રોજેક્ટોને પૂર્ણ કરવા માટેની આવશ્યક મંજૂરીઓ પણ વિના વિલંબે આપવામાં આવી રહી છે. રાજ્ય સરકાર દ્વારા દ્વારા આગામી વર્ષોમાં ઓલિમ્પીક યોજવાના પણ પ્રયાસો પણ ભારે ગતિથી આગળ વધી રહ્યા છે. જેમાં ટીપી ક્લિયર કરવી, જમીન સંપાદનની વિધિ ઝડપથી આગળ વધી રહી છે.  

ઓખા બેટ દ્વારકા સિગ્નેચર બ્રિજ લગભગ તૈયાર થઈ ગયો છે. અત્યાર સુધી બેટ દ્વારકા જવા માટે દર્શનાર્થીઓને હોડીમાં બેસીને જવું પડતું હતું. જોકે હવે બ્રિજનું નિર્માણ થતાં લોકો આ બ્રિજથી કાર કે અન્ય વાહનો લઈને બેટ દ્વારકા પહોંચી શકશે.  

ડાયમંડ નગરી ગણાતી સુરતમાં બનેલ ડાયમંડ બુર્સએ ન માત્ર સુરત પરંતુ આખા ગુજરાતની શાન બની રહેશે. વિગતો મુજબ અમેરિકાના ડિફેન્સ કાર્યાલય પેન્ટાગોન કરતાં ય આ ડાયમંડ બુર્સ એ મોટી ઇમારત છે. અહીં વિશ્વભરના હીરાના ખરીદદારો આવશે જેના પરિણામે આયાત-નિકાસ જ નહીં વેપારને પણ વેગ મળશે.  

મેગા સિટી અમદાવાદમાં 350 કરોડના ખર્ચે  સાબરમતી મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબને આખરી ઓપ અપાઈ રહ્યો છે. અહીં હોટલ-રેસ્ટોરન્ટ, મોલ અને ટેરેસ ગાર્ડન જેવી અનેક સુવિધાઓ છે. અહીંથી બીઆરટીએસ, મેટ્રો, રેલની મુસાફરી કરી શકાશે. આ સાથે 1200 વાહનો પાર્ક થઈ જાય તેવું પાર્કિંગ પણ બનાવાયું છે. આ સાથે રાજકોટમાં તૈયાર થઈ રહેલ એઇમ્સનું કામ પણ હવે પૂર્ણ થવા આવ્યું છે. જે સૌરાષ્ટ્ર-ગુજરાતના મેડિકલ ક્ષેત્રે માઇલસ્ટોન ગણાશે. 

No articles found for this category. આ વિષય પર કોઈ લેખો મળ્યા નથી.