• બુધવાર, 17 એપ્રિલ, 2024

ટેક્સ્ટાઈલ ઉદ્યોગ નાના એકમોને સહાયભૂત બને : પીયૂષ ગોયલ  

એજન્સીસ          

નવી દિલ્હી, તા. 27 ફેબ્રુ.

કેન્દ્રીય ટેક્સ્ટાઈલ પ્રધાન પીયૂષ ગોયલે જણાવ્યું હતું કે ટેક્સ્ટાઈલ ઉદ્યોગે નાના બિઝનેસને પ્રોત્સાહન આપવાની તાતી જરૂરત છે, જેથી તેમને તેમની ખરી પ્રતિભાની ઓળખ મળી શકે.દિલ્હીમાં યોજાયેલા `ભારત ટૅક્સ 2024 ફેર'ને સંબોધતાં પીયૂષ ગોયલે જણાવ્યું હતું કે ટેક્સ્ટાઈલ ક્ષેત્રમાં એસએમઈને મદદ કરવા તેમને અદ્યતન મશીનો અને અન્ય આનુષાંગિક માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ કરાવી આપવી જોઈએ. ટેક્સ્ટાઈલ ક્ષેત્રને માત્ર સરકારી સ્કીમથી લાભ નહીં થાય, પણ બધી સ્કીમોના સંકલનભર્યા ઉપયોગથી ફાયદો થશે.

હેન્ડલૂમ અને હૅન્ડિક્રાફટ માટે બજેટનો ચતુરાઈપૂર્વક અને પારદર્શક રીતે ખર્ચ કરવાની જરૂરત પર તેમણે ભાર મૂક્યો હતો. ઉદ્યોગે અને સરકારે મળીને કારીગરોની આવક વધે તેવા પ્રયત્નો કરવા જોઈએ. વિદેશોમાં જ્યાં જ્યાં માર્કેટ જણાય તેવા દેશોમાં ભારતના ટેક્સ્ટાઈલ ઉદ્યોગે જવું જોઈએ.વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે `ભારત ટૅક્સ 2024 ફેર'નું ઉદ્ઘાટન કર્યું હતું. તા. 26થી 29 ફેબ્રુઆરી સુધી ચાલનાર ઈવેન્ટનું આયોજન 11 ટેક્સ્ટાઈલ એક્સ્પોર્ટ પ્રોમોશન કાઉન્સિલોએ અને કેન્દ્રીય ટેક્સ્ટાઈલ મંત્રાલયે કર્યું છે. આમાં 65 નોલેજ સત્રો હશે અને 100થી વધુ વૈશ્વિક પેનલિસ્ટો હશે.

આમાં ફાર્મ-ટુ-ફૅશનનો અભિગમ આવરી લેવામાં આવ્યો છે. આમાં ફાઈબર, કાપડ, ફૅશન ફોકસ સહિત સમગ્ર ટેક્સ્ટાઈલ વૅલ્યૂ ચેઈનને આવરી લેવામાં આવી છે. વૈશ્વિક ફેરમાં 3500 પ્રદર્શનકારો છે. 100થી વધુ દેશોના 3000થી વધુ ગ્રાહકો પધાર્યા છે. 40,000થી વધુ બિઝનેસ મુલાકાતીઓ દેખાય છે. ઉપરાંત, ટેક્સ્ટાઈલ વિદ્યાર્થીઓ, વણકરો, કારીગરો અને ટેક્સ્ટાઈલ કામદારો પ્રદર્શનમાં પધાર્યા છે.

No articles found for this category. આ વિષય પર કોઈ લેખો મળ્યા નથી.