દુબઈ ફેસ્ટિવલની માફક જ ઈન્ડિયા જ્વેલરી શાપિંગ ફેસ્ટિવલનું આયોજન
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 30 મે
ઓલ ઈન્ડિયા જેમ એન્ડ જ્વેલરી ડોમેસ્ટિક કાઉન્સિલ (જેજીસી) ઈન્ડિયા જ્વેલરી શાપિંગ ફેસ્ટિવલ (આઈજેએસએફ)નું આયોજન કરી રહી છે. આ ફેસ્ટિવલ અંતર્ગત પહેલી જૂન, 2023થી 31મી અૉક્ટોબર, 2023 દરમ્યાન બીટુબી સ્કીમ તેમજ 12મી અૉક્ટોબરથી 17મી નવેમ્બર, 2023 દરમ્યાન બીટુસી સ્કીમ હેઠળ કાર્યક્રમો યોજાશે. ફેસ્ટિવલના આયોજનનો ઉદ્દેશ ભારતને જ્વેલરીની ખરીદી માટેનું વૈશ્વિક મથક બનાવવાનો છે. પાંચ સપ્તાહના કાર્યક્રમ હેઠળ સીએસઆર પ્રવૃત્તિઓ માટે તેમજ ઉદ્યોગનાં વેચાણો વધારવા માટે જ્વેલરીના શ્રેષ્ઠ નમૂનાના પ્રદર્શન અને હરાજી દ્વારા ભારતનો કળા વારસો સંસ્કૃતિ રજૂ કરવામાં આવશે
જીજેસીના ડાયરેક્ટર દિનેશ જૈને જણાવ્યું કે ભારતમાં જ્વેલરી ટુરિઝમ વિકસાવવા અને દેશને જ્વેલરીનું મુખ્ય મથક બનાવવા માટે ફેસ્ટિવલનું આયોજન કરાયું છે. આ ઈવેન્ટ દુબઈ ફેસ્ટિવલ જેવી જ હશે, જે વિશ્વભરના ઉદ્યોગ અગ્રણીઓ અને ગ્રાહકોનું ધ્યાન ખેંચશે. આ ફેસ્ટિવલથી ભારતીય જ્વેલર્સની શાખ વધશે અને ગ્રાહકોને નવીનીકરણ વિશે જાણકારી મળશે.
વિશ્વના લગભગ 200 દેશોમાંથી માત્ર 10 ટકા દેશોમાં જ જ્વેલરી બને છે, એટલે ઉદ્યોગમાં વિશાળ સંભાવનાઓ છે. પ્રવાસન મંત્રાલય અને ટ્રાવેલ એજન્ટો સાથે મળીને પ્રોત્સાહક પ્રવાસન પેકેજો દ્વારા અમે જ્વેલરી ટુરિઝમને પ્રોત્સાહન આપીશું. પ્રવાસીઓને ભારતથી પરત ફરતી વખતે ઈમ્પોર્ટ ડ્યૂટી અને જીએસટી રિફંડ બાબતે અમે સરકાર સાથે વાતચીત કરી રહ્યા છીએ, એમ પણ જૈને જણાવ્યું હતું.
બીટુસી દરમ્યાન 24 લાખ ગ્રાહકો મુલાકાત લેશે અને રૂા. 12,000 કરોડનાં વેચાણો નોંધાશે તેવી ધારણા છે. કાઉન્સિલનું અનુમાન છે કે રૂા. 3,000 કરોડની વિદેશી હૂંડિયામણની આવક થશે. કાઉન્સિલના ચેરમેન સંયમ મેહરાએ જણાવ્યું કે પહેલી જ વાર યોજાઈ રહેલી આ પ્રકારની ઈવેન્ટથી જ્વેલર્સ તેમજ સમગ્ર મૂલ્ય સાંકળના હિસ્સેદારોને લાભ થશે. જ્વેલર્સને ગ્રાહકોને આકર્ષી પોતાનાં વેચાણો વધારવાની તક મળશે, જ્યારે ગ્રાહકોને ક્યારેય જોઈ ન હોય તેવી સેંકડો ડિઝાઈન્સ એકસાથે જોવાનો લાભ મળશે તેમજ તેઓ લગ્ન કે અન્ય વિશેષ પ્રસંગ માટે પોતાનો ઓર્ડર બૂક કરાવી શકશે.
ફેસ્ટિવલના જોઈન્ટ કન્વીનર મનોજ ઝાએ જણાવ્યું કે ફેસ્ટિવલમાં વધુને વધુ લોકો ભાગ લે તે માટે અમે અનેક યોજનાઓ શરૂ કરી છે. અમારી પાંચ બમ્પર પ્રાઇઝમાં એક કિલો સોનું સામેલ છે અને 25 ગ્રામ સોનાનું એક પ્રાઈઝ એવા 1000 પિરિયોડિકલ પ્રાઈઝ છે. સમગ્ર કાર્યક્રમ ડિજિટલી યોજાશે અને જ્વેલર્સ અને ગ્રાહકો બંને માટે ડિજિટલ ઈન્ડિયાને પ્રોત્સાહન આપવાની સાથે સાથે તે સંપૂર્ણપણે પારદર્શી રહેશે.